રાજકીય રોટલો શેકવામાં માહેર પવારના રાજીનામા બાદ દિલ્હીમાં બીજો રાજકીય ધમાકો ક્યારે?

લેખક રાજકીય વિશ્લેષક અજય ઉમટ

શરદ પવારના રાજકીય વારસદાર કોણ? અજિત પવાર કે સુપુત્રી સુપ્રિયા સૂળે? એ પ્રશ્ન રાજકીય ગલિયારાઓમાં ઘૂમરાઈ રહ્યો છે ત્યારે એક બાબત નિશ્ચિત છે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષી એકતાના પ્રયાસને જોરદાર ઝાટકો વાગ્યો છે. સાથોસાથ શરદ પવાર સંખ્યાબંધ રાજકીય બાજીઓ પલટાવી દેશે એ વાત હવે દીવા જેવી સ્પષ્ટ બની રહી છે.

દશેક દિવસ પહેલાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સુપ્રીમો શરદ પવારનાં સુપુત્રી સુપ્રિયા સૂળેએ એક નિવેદનમાં કહ્યું હતું કે આગામી 15 દિવસમાં બે રાજકીય ધમાકા થશે. એક મહારાષ્ટ્રમાં અને બીજો દિલ્હીમાં. મહારાષ્ટ્રની વાત કરીએ તો ખરેખર રાજકીય ધમાકો થઈ ચુક્યો છે. શરદ પવારે મંગળવારે એનસીપીના રાજ્યવ્યાપી સંમેલનમાં પોતાના પુસ્તકનું લોકાર્પણ કર્યા બાદ તમામ મીડિયાકર્મિઓની હાજરીમાં પોતાના પ્રવચનના અંતે એનસીપીના અધ્યક્ષપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી… આ જાહેરાતની સાથે જ હજારો કાર્યકર્તાઓએ જોરદાર વિરોધ કરતાં કહ્યું કે ‘‘દેશ કા નેતા કૈસા હો, શરદ પવાર જૈસા હો.’’, ‘‘પવારજી ઇસ્તીફા વાપસ લો, વાપસ લો.’’ સેંકડો કાર્યકર્તાઓએ પક્ષના હોદ્દા પરથી અને સંખ્યાબંધ ધારાસભ્યો અને સંસદસભ્યોએ પોતાના સભ્યપદ પરથી રાજીનામાં આપવાની ઓફર કરી. એનસીપીના હજારો કાર્યકર્તાઓ યશવંતરાવ ચવાણ ઓડિટોરિયમ બહાર ધરણાં ધરી દરવાજાને તાળાં મારીને બેસી ગયા અને જ્યાં સુધી શરદ પવાર રાજીનામું પાછું ન ખેંચે ત્યાં સુધી હોલની બહાર પવારસાહેબને નહીં જવા દઈએ એવી પ્રેમભરી મીઠી હઠ લઈ બેઠા. આ હજારો કાર્યકર્તાઓ અને નેતાઓ પૈકી માત્ર એક જ વ્યક્તિ એવી હતી કે જેમણે શરદ પવારની સાથે મંચ પર ઊભા રહીને સૌને સમજાવવાની કોશિશ કરી કે શરદ પવારની હવે અવસ્થા થઈ છે. તેઓનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી. તેઓ આપણી વચ્ચે જ રહેશે. તેઓનું માર્ગદર્શન આપણે મળતું રહેશે, પરંતુ આપણે તેઓને માનભેર નિવૃત્તિ આપવી જોઈએ… આ મહાનુભાવ હતા શરદ પવારના રાજકીય વારસદાર થવા ઇચ્છુક અને સગા ભત્રીજા યાને અજિત પવાર. શ્રીમાન અજિત પવાર અત્યંત મહત્વકાંક્ષી રાજકારણી છે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા થનગની રહ્યા છે. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે એ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ હજી કોઈ નક્કર રાજકીય ઠેકાણું નથી છતાં મુંબઈ અને સમગ્ર મહારાષ્ટ્રમાં સંખ્યાબંધ સ્થળોએ મહારાષ્ટ્રના ભાવિ મુખ્યમંત્રી તરીકે આત્મનિર્ભર બનીને અજિત પવારે પોતાના હોર્ડિંગ્સ લટકાવી દીધાં છે. જો કે શરદ પવાર એમની આ વ્યૂહરચના વિશે સંમત છે કે કેમ એ અંગે હવે બે મત પ્રવર્તી રહ્યા છે.
મહારાષ્ટ્રના રાજકારણથી વાકેફ તજજ્ઞો કહે છે કે શરદ પવારે અજિત પવારને કદ પ્રમાણે વેતરી નાખવા આ માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે, કારણ કે સમગ્ર દિવસ દરમિયાન શરદ પવાર રાજીનામું ન આપે એ માટે હજારો કાર્યકર્તાઓ અને નેતાઓ ધરણાં કરતા હતા ત્યારે શરદ પવારના રાજકીય સંન્યાસની પેરવી કરનાર અજિત પવાર તદ્દન એકલા અટૂલા પડી ગયા હોય તેમ લાગતું હતું. ટૂંકમાં, શરદ પવારે સિદ્ધ કર્યું કે આજે પણ 82 વર્ષની ઉંમરે સૌથી વયોવૃદ્ધ સક્રિય રાજકારણી હોવા છતાં તેમની પાર્ટી પર તેમનો અંકુશ સંપૂર્ણપણે છે. જ્યારે અજિત પવાર મુખ્યમંત્રીપદ પામવા રાજકીય છબછબિયાં કરી રહ્યા છે. મજાની વાત એ છે કે શરદ પવારે એક સપ્તાહ પહેલાં કહ્યું હતું કે તવા પર શેકાતી રોટલીને જો સમયસર ન પલટો તો એ રોટલી બળી જાય છે. ટૂંકમાં શરદ પવારનો સંકેત સ્પષ્ટ હતો કે પલટી મારવાનો સમય આવી ગયો છે. રાજકીય રોટલા શેકવામાં શરદ પવાર માહેર છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ચાર ટર્મ સુધી રહેનાર શરદ પવાર નરસિમ્હારાવ સરકારમાં સંરક્ષણમંત્રી અને મનમોહન સરકારમાં કૃષિમંત્રી રહી ચુક્યા છે. 19મા વર્ષે સક્રિય રાજકારણમાં આવનાર શરદ પવારે 63 વર્ષની રાજકીય કારકિર્દીમાં ઘણી રાજકીય લીલીસૂકી જોઈ છે. બે વખત વડાપ્રધાન બનવાની ચેષ્ટા પણ કરી છે. 1991માં રાજીવ ગાંધીની હત્યા બાદ શરદ પવારે મહારાષ્ટ્ર રાજ્યમાંથી સૌથી વધુ સાંસદો કોંગ્રેસમાં ચૂંટાયા છે એવું વિધાન કરીને વડાપ્રધાન બનવાનો દાવો પરોક્ષ રીતે કર્યો હતો. પરંતુ ત્યારબાદ નરસિમ્હારાવના નેતૃત્વને સ્વીકારી લીધું હતું અને એમની કેબિનેટમાં સંરક્ષણમંત્રી બન્યા બાદ 1993 માર્ચમાં મહારાષ્ટ્રમાં કોમી રમખાણો થયા ત્યારે પલટી મારીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા રાતોરાત મુંબઈ આવી ગયા હતા. 1999માં તેમણે સરકારના ગઠન પહેલાં સોનિયા ગાંધીના ઇટાલિયન કુળ અંગે વાંધો ઊઠાવતાં કહ્યું હતું કે સ્વદેશી વ્યક્તિ જ વડાપ્રધાન બની શકે. તેમણે આ મતલબનો કોંગ્રેસી હાઈકમાન્ડને લખેલો પત્ર ઈરાદાપૂર્વક લીક કર્યો હતો અને પરિણામે શરદ પવાર અને તેમના બે વિશ્વાસુ સાથી તારિક અનવર અને પી.એ. સાંગમાની કોંગ્રેસ પાર્ટીમાંથી છ વર્ષ માટે હકાલપટ્ટી કરાઈ હતી. શરદ પવારે ત્યારબાદ મહારાષ્ટ્રમાં શક્તિપ્રદર્શન કરીને નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીની રચના કરી હતી. મજાની વાત એ હતી કે ત્યારબાદ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ચતુષ્કોણીય જંગમાં કોઈને પણ સ્પષ્ટ બહુમતી ન મળતાં શરદ પવારની એનસીપીએ કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન કરીને શિવસેના અને ભાજપ વિરુદ્ધ મોરચો રચી મિશ્ર સરકારનું ગઠન કર્યું હતું. ટૂંકમાં, સત્તા ખાતર શરદ પવારે અનેક વખત તડજોડની રાજનીતિ કરી છે, એનું છેલ્લું ઉદાહરણ શિવસેના-ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ સાથે મળીને મહાવિકાસ અઘાડી સરકારનું નિર્માણ છે… જો કે ગત વર્ષે ભાજપે શિવસેનાના બે ઊભાં ફાડિયાં કરીને મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં સરકાર રચી છે. પરંતુ હવે એ રાજકીય તોડફોડનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને જો સર્વોચ્ચ અદાલત એકનાથ શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવે તો શક્ય છે કે મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલ થાય અને અજિત પવારની સ્ક્રિપ્ટ પ્રમાણે એનસીપીમાં ભાગલા પડે અને અજિત પવારના નેતૃત્વમાં ભાજપના ટેકાથી મહારાષ્ટ્રમાં નવી સરકાર રચાય. એ પણ શક્ય છે કે શરદ પવાર પાર્ટીને ન તૂટવા દે અને એનસીપીનો મુખ્યમંત્રી બનતો હોય તો રાજકીય સમાધાન પણ ભાજપ સાથે કરે.
ઉપરોક્ત સંભાવનાઓ વચ્ચે શરદ પવારે આખરે કાર્યકર્તાઓની લોકલાગણીને માન આપીને પોતાના રાજીનામા અંગે બે-ત્રણ દિવસમાં ફેરવિચારણાની ખાતરી આપી છે. દરમિયાનમાં શરદ પવારના પુસ્તકમાંથી કેટલાંક પ્રકરણોનો અભ્યાસ કરીએ તો શરદ પવારની કોંગ્રેસ પરત્વેની નારાજી ભારોભાર વ્યક્ત થાય છે. દા.ત. 2019માં અજિત પવારે એનસીપીમાં બળવો કરીને વહેલી સવારે સાડા છ વાગ્યે બંધ બારણે દેવેન્દ્ર ફડણવીસ સાથે બેઠક કરીને ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા એ ઘટનાક્રમનો બચાવ કરતા શરદ પવાર કહે છે કે મહાવિકાસ અઘાડીની રચના પહેલાં ગઠબંધન અંગે કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડના વાંધા વચકા અને ફિતુરોથી અકળાઈને અજિત પવારે બંડ પોકાર્યું હતું, તો ઉદ્ધવ ઠાકરે વિશે અન્યત્ર શરદ પવાર કહે છે કે ઉદ્ઘવ નખશીખ સજ્જન વ્યક્તિ છે, પરંતુ રાજકીય પાકટતા અને અનુભવની ઓટ વર્તાય છે. ભાજપ જ્યારે મહાવિકાસ અઘાડીની સરકાર તોડવા કોશિશ કરી રહ્યો હતો ત્યારે ઉદ્ધવ ઠાકરેએ લડાયક મિજાજ દર્શાવવો જોઈતો તો, પરંતુ તેઓ પાણીમાં બેસી ગયા અને રાજભવનમાં જઈને રાજીનામું આપી આવ્યા. આ બે પ્રસંગોને જો લિટમસ ટેસ્ટ તરીકે સ્વીકારીએ તો આવનારા દિવસોમાં શરદ પવાર રાષ્ટ્રીય વિપક્ષી એકતાના સંગઠન માટે ઝઝૂમે એવી શક્યતા નહીંવત જણાય છે… એડવાન્ટેજ ભાજપ.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!