અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં બ્રેઇન ડેડ શ્રમિકનું થયુ અંગદાન

મઘ્યપ્રદેશ પંથકના યુવાનનું મોત નિપજતા પોરબંદરના સેવાભાવી આગેવાનોની સમજાવટથી અંગદાન અપાતા અનેકને મળશે નવુ જીવનઃ મજુરીકામ કરતા પરીવારે આપેલ અમૂલ્ય દાનને બીરદાવ્યુ: ઓછુ ભણેલા હોવા છતાં સાચુ ઘડતર મેળવ્યાનું સાબીત કર્યુ

તાજેતરમાં જ પોરબંદરના ધારાસભ્યએ ઓર્ગન ડોનેશન ઉપર ભાર મુકીને આ મુદે રાજયસરકાર જાગૃતિ લાવે તે પ્રકારની અપીલ કરી હતી. ત્યારે તાજેતરમાં જ એક બનાવ એવો બન્યો છે કે, જેમાં સામાન્ય મજુર પરીવારના યુવાનનું મોત નીપજતાં તેનું અંગદાન કરવામાં આવતા અનેકને નવુજીવન મળશે મહત્વની બાબત એ છે કે આ અંગદાન માટે પોરબંદરના સામાજીક આગેવાનો દ્વારા મહત્વની જાગૃતિ ફેલાવીને સમજ અપાઇ હતી.

લીપ યરના લીપ દિવસે અંગદાન ચાર વર્ષે એક વર્ષ એવુ આવે છે કે, જેમાં ૩૬૬ દિવસ હોય છે ત્યારે તાજેતરમાં ૨૯ ફેબ્રુઆરીના આ લીપ દિવસે અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં બ્રેઇન ડેડ યુવાનનું અંગદાન સાવ સામાન્ય શ્રમિક પરીવાર દ્વારા કરાવવામાં આવતા આ પરીવારની કામગીરીને બીરદાવાઈ હતી. જેમાં બનાવની વિગત એવી છેકે, મુળ મઘ્યપ્રદેશના ધાર જીલ્લાના પીપલડા ગામના રહેવાશી રાહુલ ભંવર નામનો યુવાન કડીયા કામ ચાલતુ હોય ત્યાં તગારા ભરીને આપવાની મજૂરીકામ કરતો હતો અને ગાંધીનગરના કુડાસણ ખાતે અકસ્માતે આ રાહુલ પડી જતાં માથાના ભાગે તેને અત્યંત ગંભીર ઇજાઓ થઇ હતી જેથી સૌપ્રથમ તેને ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

ડોકટરોએ બ્રેઇન ડેડ જાહેર કર્યો અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં ડોકટરોએ રાહુલને તપાસતા તેને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. આ રાહુલ પોરબંદરના કાજાવદરી ગામના દીપકભાઈ વજશીભાઈ રાઠોડ સાથે કામ કરતો હતો આથી પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સીનીયર આગેવાન તથા અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં પોરબંદર પંથકના દર્દીઓ દાખલ થાય ત્યારે તેમને તમામ પ્રકારની મદદ કરતા રામદેવભાઈ મોઢવાડીયાને આ બનાવની જાણ કરવામાં આવતા તેઓ પણ ત્યાં હોસ્પિટલે દોડી ગયા હતા મહેર શકિત સેનાની સમાધાન સમિતિના પ્રમુખ નવધણભાઈ મોઢવાડીયા, દેગામના આગેવાન બાબુભાઈ ઓડેદરા તથા જેમની સાથે મૃતક કામ કરતો હતો તે દીપકભાઈ રાઠોડ વગેરેએ મૃતક રાહુલ ભંવરના કાકા અને ભાઈને તે અંગેની સમજ આપી હતી. તથા અંગદાન કરવા માટે વિનંતી કરી હતી તેમને જણાવાયું હતું કે, રાહુલના અંગદાનથી અનેક વ્યકતિઓને નવુ જીવન મળશે. તેમના પરીવારજનો ભણેલા નહી હોવા છતાં ભણતર કરતા ઘડતર વધુ મહત્વનું હોય તેમ સમજી ગયા હતા કે, પોતાના સ્વજન રાહુલ દ્વારા અન્ય અનેક લોકોને નવુજીવન મળશે તેથી અન્ય લોકોના જીવ બચાવવાના પરોપકારી ભાવ સાથે તેઓએ અંગદાન અંગેનો નિર્ણય લઇને હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના હેડ ડો.સંજય સોલંકીને જાણ કરતા તેમણે આ ક્ષણે જણાવ્યું હતું કે ગરીબ અને ઓછુ ભણેલા પરીવાર પણ આ પ્રકારે અંગદાન આપી રહ્યા છે તે કાબીલે દાદ છે. અને એ જ દિવસે માત્ર ૪ કલાકના સમયગાળામાં રાહુલ ઉપરાંત અન્ય એક દર્દી પ્રતાપભાઈ સોલંકીનું પણ બ્રેઇન ડેડ થતાં અંગદાનની મંજુરી મળી હતી. અને લીપ વર્ષના આ દિવસે બંને દર્દીના અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા થઇ હતી. જેથી એક હદય, ચાર કીડની અને બે લીવર મળી કુલ ૭ અંગોનુ દાન મેળવવામાં સીવીલ હોસ્પિટલને સફળતા મળી હતી મહત્વની બાબત એ હતી કે, અંગદાનમાં મળેલા હદયને, અમદાવાની યુ.એન. મહેતા હોસ્પિટલમાં

તથા બે લીવર અને ચાર કીડનીને અમદાવાદ સીવીલની જ કીડની ઇન્સ્ટિટયુટમાં દાખલ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રતિઆરોપણ કરવામાં આવ્યું હતુ જેથી અનેકને નવા જીવન પ્રાપ્ત થયા હતાં.

ઓર્ગન ડોનેશન માટે વધુ જાગૃતિ લાવોઃ અર્જુનભાઈ મોઢવાડીયા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાએ પણ તાજેતરમાં જ વિધાનસભામાં રજુ કરવામાં આવેલા ગુજરાત યુનિ. ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સીઝ(સુધારા) વિધયેક ઉપર ચર્ચા દરમ્યાન ઓર્ગન ડોનેશન માટે જાગૃતિ લાવવા ભલામણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે યુનિવર્સિટી છે એ ખરેખર આવકારઘયક યુનિવર્સિટી છે. એમાં સુધારો આવ્યો તે પણ આવકારદાયક છે, પરંતુ માનનીય મંત્રીની વિનંતી છે કે, આ યુનિવર્સિટીને સરકારી માળખામાંથી કાઢીને એ જે રીતે આઈ.કે.ડી. ની ઓટોનમી હતી એનાથી વિશેષ ઓટોનમી આપવામાં આવે. તેમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ ન રહે. સેલ્ફ ઈવેલ્યુએશન વારંવાર થાય પણ સરકારનો કોઈ હસ્તક્ષેપ ન રહે તો આ યુનિવર્સિટી દેશની એક મોડલ યુનિવર્સિટી બની શકે તેટલી ક્ષમતા રહેલી છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે જે ટ્રાન્સપ્લાન્ટેશન વિષય છે એમાં આપણે ઘણા પાછળ છીએ, એમાં જે રીતે બ્લડ ડોનેશન માટે સમાજમાં જાગૃતિ લાવવામાં આવી તેવી જ રીતે ઓર્ગન ડોનેશન માટે પણ જાગૃતિ આવે અને લોકો તે માટે પ્રેરાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આઈ.કે.ડી. અને ટ્રોમા સેન્ટર વચ્ચેનું સંકલન યોગ્ય નથી, જો યોગ્ય સંકલન થાય અને જે લોકો ડોનેશન સ્વીકારે છે એ આઈ.કે.ડી.ના જ કાઉન્સેલરો ત્યાં રહે અને એ લોકોને સમજાવે અથવા તો એની નીચે ટ્રોમા સેન્ટર મુકાય તો બ્રેઈન ડેડ લોકો છે એમના ઓર્ગન બહુ સહેલાઈથી મળી શકે. અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સરકારે એવો કાયદો લાવવો જોઈએ કે, માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિએ મારે ઓર્ગન ડોનેશન કરવુ નથી એવુ જાહેર ન કરેલ હોય તો સરકાર એના ઓર્ગન ડોનેશનમાં મેળવી શકે. આવી પહેલ કરવામાં આવે તો ઓર્ગન ન મળવાના કારણે જે લોકો મૃત્યુ પામે છે એ મૃત્યુ પામવાનો દર ઘટાડી શકાય. અત્યારે ખાસ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા સરકારની કક્ષાએ થાય તો ખર્ચ ઓછો આવે, એમાં પણ પ્રાઈમ મિનિસ્ટર રિલિફ ફંડ, ચીફ મિનિસ્ટર રિલિફ ફંડ અને બીજા ફંડમાંથી વ્યવસ્થા કરવામાં આવે તો ગરીબ માણસો પણ ઓર્ગન ડોનેશન મેળવી ટ્રાન્સપ્લાન્ટેશન કરાવી શકે. તે પ્રકારનો મત પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાએ વ્યકત કર્યો હતો.

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!