ગુરુકુળ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ યુનિવર્સિટીના દ્વિતિય પદવીદાન સમારોહમાં મેદાન માર્યું
પોરબંદરની શિક્ષણ ક્ષેત્રે દાયકાઓથી સુપ્રસિધ્ધ એવી રાજરત્ન શ્રેષ્ઠી શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્ય કન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના દ્વિતિય પદવીદાન સમારોહમાં મેદાન માર્યું. સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ યુનિવર્સિટીઓમાંની એક એવી જુનાગઢ સ્થિત ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ પોરબંદર સાંદિપની ઓડિટોરિયમ ખાતે યોજાયેલ. આ પદવીદાન સમારોહમાં ગુરુકુળ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ ગુરુકુળના ઈતિહાસમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ તથા યુનિવર્સિટી રેન્કર્સમાં સ્થાન મેળવ્યું. જેમાં કોમર્સ વિભાગની વિદ્યાર્થીની કુ. શ્વેતા જાદવજી કોટિયાએ કોમર્સ વિભાગનો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. જયારે, આ જ કોલેજની વિદ્યાર્થીનીઓ કુ. દીપુ લખમણભાઇ કારાવદરા, કુ. રૂપલ ચંદુભાઈ ભરખડા અને કુ. લાખી મનોજભાઈ ચુડાસમાએ યુ.જી. હોમ સાયન્સ વિભાગમાં હાઈએસ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો તેમજ કુ. અદિતી દિલીપભાઈ દવેએ પી.જી. ઇંગ્લિશમાં હાઈએસ્ટ રેન્ક પ્રાપ્ત કરી ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું ગૌરવ વધાર્યું.
આ તકે સંસ્થાના ટ્રસ્ટીઓ, કોલેજના પ્રિન્સીપાલ ડૉ. અનુપમભાઈ નાગર, વાઈસ પ્રિન્સીપાલ તેમજ હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ પ્રો. રોહીણીબા જાડેજા, અંગ્રેજી ડીપાર્ટમેન્ટના હેડ ડૉ. કેતકીબેન પંડ્યા, કોમર્સ ડિપાર્ટમેન્ટના હેડ પ્રો. ભરતસિંહ ડોડીયા તેમજ સર્વ ગુરૂજનોએ ગોલ્ડ મેડલ મેળવનાર તથા રેન્ક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થિનીઓને અભિનંદન સાથે આશિર્વાદ પાઠવ્યાં અને આમ જ ઉત્તરોત્તર પ્રગતિ કરી સફળતાના સોપાનો સર કરે અને સંસ્થાનું તેમજ તેઓના માતા-પિતાનું નામ રોશન કરે તેવા શુભાશિષ પાઠવેલ.