JCIની એશિયા પેસિફિક કોન્ફરન્સમાં પોરબંદરના યુવાને ભાગ લીધો
જેસીઆઈ પોરબંદરના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ઝોન પ્રમુખ બિરાજ કોટેચાએ ઇન્ડોનેશિયા ખાતે યોજાયેલી જેસીઆઈની એશિયા-પેસિફિક કોન્ફરન્સમાં ભાગ લઈ વિદેશની ધરતી ઉપર પણ પોરબંદર જેસીઆઈનું નામ રોશન કર્યું હતું.
ઇન્ડોનેશિયાની રાજધાની એવા જકાર્તા શહેરમાં યોજાયેલી આ જેસીઆઈની એશિયા પેસિફિક કોન્ફરન્સમાં ભારત, જાપાન, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, હોંગકોંગ, બાંગ્લાદેશ, નેપાળ, કંબોલિયા વગેરે 18 જેટલા દેશોના 4000 જેટલા જેસીઆઈ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સમાં જેસીઆઈ દ્વારા આગામી સમયમાં વિશ્વ કક્ષાએ થનારા કાર્યક્રમો અને પ્રોજેકટ વગેરે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
પોરબંદરના યુવાન બિરાજ કોટેચાએ આ એશિયા કોન્ફરન્સમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઈ મહાત્મા ગાંધીની જન્મ ભૂમિ પોરબંદરનું નામ રોશન કર્યું તે બદલ જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા, પ્રમુખ સાહિલ કોટેચા અને જેસીઆઈ પોરબંદરની સમગ્ર ટીમે અભિનંદન આપ્યા હતા.