પોરબંદર જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી



રાણાવાવમાં કલેકટર કે.ડી.લાખાણીના હસ્તે ધ્વજવંદન અને જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી સમારોહ યોજાયો
સ્વાતંત્ર્ય વીરોના સંગ્રામ અને શહાદતને યાદ કરી રાષ્ટ્રની ઉન્નતિ અને વિકાસ માટે સંકલ્પ લઈએ-કલેકટર કે.ડી. લાખાણી
૦૦૦
હર હર તિરંગા અભિયાનમાં સમગ્ર જિલ્લો જોડાયો છે: સ્વાતંત્ર્ય વીરોની ગાથામાંથી પ્રેરણા લઈ વિકસિત ભારતની નેમ સાકાર કરીએ: કલેક્ટર
૦૦
રાણાવાવ સરકારી વિનયન કોલેજના ગ્રાઉન્ડમાં વિશેષ કામગીરી કરનારા કર્મયોગીઓનું સન્માન અને સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી
૦૦૦
પોરબંદર તા.૧૫
77મા સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પોરબંદર જિલ્લામાં રાણાવાવ ખાતે કલેકટર કે.ડી. લાખાણીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. તેઓએ ઉપસ્થિત સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી હતી.
જિલ્લા કલેકટરે તિરંગો લહેરાવી ધ્વજ વંદન કરી પરેડ નિરીક્ષણ અને ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને પરેડ કમાન્ડર શ્રી એમ. એન. બોરીસાગર સાથે રહ્યા હતા.
તિરંગાની આન,બાન અને શાન સાથે યોજાયેલા આ સમારોહને સંબોધતા કલેક્ટર કે.ડી.લાખાણી એ જણાવ્યું હતું કે પોરબંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે. મહાત્મા ગાંધી એ સત્ય અને અહિંસાના માર્ગે દેશને આઝાદી અપાવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ સહિત નામી અનામી સ્વાતંત્ર્યવીરોના યોગદાન અને શહીદીને યાદ કરવાનો આ અવસર છે. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ભારત સમગ્ર વિશ્વમાં ગૌરવશાળી સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે ત્યારે વિકસિત ભારતની નેમ સાથે રાષ્ટ્રની ઉન્નતિ માટે કટિબદ્ધ થઈએ.
કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. G20 ની બેઠકોનો લાભ ગુજરાતને પણ મળી રહ્યો છે.
પોરબંદર જિલ્લો ભાતીગળ સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવે છે. પોરબંદર પંથક ખમીરી અને સેવા ની પણ ઓળખ ધરાવે છે. પોરબંદર ના વતનીઓ વિદેશમાં પણ પ્રગતિ કરીને વસ્યા છે. તેઓએ વતન પ્રત્યેની સામાજિક સેવા ની મિશાલ પ્રજલવિત કરી છે. પોરબંદરનો મણીયારો રાસ અને ઘેડ વિસ્તારના વિકાસ અને કાયમી આયોજન સાથે પોરબંદર જિલ્લામાં પ્રવાસન માટે અનેક યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. સરકારની અનેક યોજનાઓની અમલવારીને કારણે 25 વર્ષમાં પોરબંદરનો સર્વાંગી વિકાસ થયો છે. પાણી, ખેતી, આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ યુવાઓને રોજગારી, માછીમારો માટે વિવિધ યોજનાનો લાભ અપાયો છે.તેમજ બિપોર જોય વાવાઝોડું જેવી કુદરતી આફતોમાં બધાએ સાથે મળીને નાગરિક સુરક્ષાનું કામ કર્યું છે તેમ પણ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. કલેક્ટરે પોરબંદરના સાહિત્યકારો, ઇતિહાસકારો ,કલા અને સંસ્કૃતિના સંવર્ધકો, દાતાઓ, ક્રિકેટરો અને રમત ગમતમાં સિદ્ધિ મેળવનારા યુવાઓ- બાળકોને પણ બિરદાવ્યા હતા. પોલીસ વિભાગની વિવિધ ઝુંબેશ માં સહયોગ આપી આદર્શ નાગરિકના ગુણો કેળવવા પણ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે કલેકટરશ્રીએ વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મીયોગીઓને સન્માનિત કર્યા હતા. જેમાં નારી રત્ન એવોર્ડ વિજેતા શાંતિબેન ભૂતિયા તેમજ રમત ગમતમાં ક્રીશીતા મોઢા અને ભૂમિકા મોઢવાડિયા, અન્ય સેવાકીય ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કેજીવીબી પોરબંદર ની કૃતિ પ્રથમ સ્થાને, યોગ નિર્દર્શન બીજા સ્થાને અને આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરની કૃતિ ત્રીજા સ્થાને આ ઉપરાંત ચામુંડા મહેર રાસ ગ્રુપ, વિસાવાડા , મોકર ગૃપ દ્વારા કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવા બદલ મહાનુભાવો દ્વારા રૂ. 21,000 નું રોકડ પુરસ્કાર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. રાણાવાવ સ્થાનિક તંત્રને વિકાસના કામો માટે આ પ્રસંગે રૂ.25 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન નીરવ જોશી અને પૂજાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રાંત અધિકારી પારસ વાંદા ના સંકલનમાં મામલતદાર રાણાવાવ ની ટીમ તેમજ રમત ગમત, શિક્ષણ , માર્ગ મકાન વિભાગ અને પોલીસ સહિત વિવિધ સ્થાનિક વિભાગોની ટીમે જહેમત ઉઠાવી હતી.
આ પ્રસંગે પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા અગ્રણી અને જી.પં .કારોબારી સમિતિના ચેરમેન રમેશભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય કરસનભાઈ ઓડેદરા, તાલુકા પંચાયતના પ્રમુખ સામતભાઈ મોઢવાડિયા , જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર ,અધિક કલેકટર જોશી, ડીઆરડીએ ના નિયામક રેખાબા સરવૈયા, નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા સહિત પોલીસ અધિકારીઓ તેમજ વિવિધ કચેરીઓના અધિકારીઓ પદાધિકારીઓ , રાણાવાવ શાળા અને સરકારી વિનિયન કોલેજના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, હોમગાર્ડના જવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
