પોરબંદરની અભિલેખાગાર કચેરીમાં ₹15,000ની કિંમત ના કોમ્પ્યુટર સીપીયુ ની ચોરી

પોરબંદરની અભિલેખાગાર કચેરીમાં ₹15,000ની કિંમત ના કોમ્પ્યુટર સીપીયુ ની ચોરી
અભિલેખાગાર કચેરી માત્ર બે પટાવાળા દ્વારા સંભાળવામાં આવી રહી છે: બીજો કોઈ સ્ટાફ નથી
કચેરી નિયમિત ખૂલતી હોવા છતાં ચોરી થયાની જાણ છ મહિને થઈ
જ્યાં મોટા ભાગે માત્ર બે પટાવાળા દ્વારા સમગ્ર કચેરી સંભાળવામાં આવી રહી છે એવા પોરબંદર અભિલેખાગાર કચેરીના બિલ્ડિંગમાં છેલ્લા છ માસ દરમિયાન કોમ્પ્યુટરના એક સીપીયુની ચોરી થયાની ફરિયાદ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી છે.
પોરબંદર જીલ્લા અભીલેખાગાર ગોપનાથ પ્લોટ ખાતેની ઓફિસમાં ગુજરાત રાજ્ય અભીલેખાગાર ગાંધીનગર ખાતેથી ફાળવવામાં આવેલ કોમ્પ્યુટર ડેસ્કટોપ સેટનું એચપી કંપનીનુ સીપીયુ જેની અંદાજીદ કિંમત રૂ .૧૫,૦૦૦નું કોઇ અજાણ્યો ચોર જીલ્લા અભીલેખાગાર કચેરીમાં છએક મહીના પહેલાથી તા .૧૭/૦૭/૨૦૨૩ ના કલાક ૧૦/૩૦ વાગ્યા સુધીના કોઈ પણ સમયે ગુપ્ત રીતે પ્રવેશ કરી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યાની ફરિયાદ નોંધાવામાં આવી છે. પોરબંદર જિલ્લા અભિલેખાગાર કચેરીના અધિક્ષક વનરાજસિંહ વીરસિંહ હાડાની ફરિયાદને લઈને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં પીએસઆઇ આર કે કાંબરીયાએ તપાસ હાથ ધરી છે. અભિલેખાગારમાં કોમ્પ્યુટરના સીપીયુ ની ચોરી થયાની જાણ ઓફિસને છ મહિના પછી કેમ થઈ એવા સવાલના જવાબમાં પોરબંદર અભિલેખાગાર કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક વનરાજસિંહ હાડાએ જણાવ્યું કે કચેરીમાં એક નવું અને બીજું જૂનું એમ બે સીપીયુ હતા તેથી તેમાંનું એક બંધ થતાં બીજું ચાલુ કરવાનું પટાવાળાને કહેવામાં આવતા તેણે જાણ કરી કે બીજું જ સીપીયુ જે સ્પેર મૂકી દીધું હતું તે તેની જગ્યાએ છે જ નહીં. આથી આથી આ ચોરી છેલ્લા છ માસના ગાળામાં થઈ છે તેમ સ્પષ્ટ થતા પોલીસ ફરિયાદ આપવામાં આવી છે. અને તેની તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે પોરબંદરની અભિલેખાગાર કચેરીમાં હાલમાં માત્ર બે પટાવાળા ફરજ બજાવે છે અને કચેરી કચેરીના અધિક્ષક વનરાજસિંહ હાડા પોરબંદર ઉપરાંત જુનાગઢ અને ભાવનગર અભિલેખાગાર કચેરીનો પણ ચાર્જ સંભાળી રહ્યા છે તેથી પોરબંદર અભિલેખાગાર કચેરીમાં તેમની સતત અને નિયમિત હાજરી હોતી નથી.
