પોરબંદર રેડક્રોસ દ્વારા 1.50 લાખનું અન્ન દાન કરાયું
પોરબંદર રેડક્રોસે ખાણ મજૂરોની દિવાળી સુધારી
◆◆◆◆◆◆◆◆
રેડક્રોસ દ્વારા 250 પરિવારોને રાશન કીટ અપાઈ
◆◆◆◆◆◆◆◆◆
પોરબંદર રેડક્રોસ દ્વારા 1.50 લાખનું અન્ન દાન કરાયું
વિશ્વ કક્ષાએ માનવતાની સૌથી મોટી સંસ્થા રેડક્રોસની પોરબંદર શાખા દ્વારા યુવાન ચેરમેન લાખણશી ગોરાણીયાના માર્ગદર્શન હેઠળ અનેક પ્રકારની માનવ સેવા પ્રવૃત્તિઓ સતત ધમધમે છે. જેના ભાગરૂપે પોરબંદર રેડક્રોસ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ખાણ મજૂરોના 250 જેટલા ગરીબ પરિવારોને રાશન કીટ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
દિવાળી અને નૂતન વર્ષ જેવા મહત્વના ધાર્મિક તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે પોરબંદર રેડક્રોસ દ્વારા ભોદ, કાજાવદરી અને ધરમપુર ખાતે આવેલ લાઇમ સ્ટોનની ખાણોમાં કામ કરી રહેલા ખાણીયાં મજૂરોને મદદરૂપ થવા 250 જેટલા પરિવારોને રાશનકીટ આપવામાં આવી હતી.
■ 1.50 લાખનું અન્ન દાન કરાયું :
પોરબંદર રેડક્રોસ દ્વારા 1.50 લાખના ખર્ચે 250 જેટલા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ઘઉંનો લોટ, વેસણ, રવો, ખાંડ, ઘી, તેલ, ગોળ, બિસ્કીટ વગેરે ખાદ્ય પદાર્થોની રાશન કીટ બનાવી જૂદી જુદી ખાણોમાં કામ કરતા મજૂર પરિવારોને વિતરણ કરવામાં આવી હતી.
આ કીટ વિતરણમાં પોરબંદર રેડક્રોસના ચેરમેન લાખણશી ગોરાણીયા, સેક્રેટરી અકબરભાઈ સોરઠીયા, વાઇસ ચેરમેન શાંતિબેન ઓડેદરા, બિન્દુબેન થાનકી, પીઆરઓ જગદીશભાઈ થાનકી, રામભાઈ ઓડેદરા, સૌરાષ્ટ્ર કેમિકલ ફેકટરીના અધિકારીઓ અને ખાણીયા મજૂરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દિવાળીના તહેવાર સમયે રાશન કીટ આપી અને 250 જેટલા ગરીબ પરિવારોના ઘરમાં રોશની લાવવા બદલ તમામ પરિવારોએ ખુશી વ્યક્ત કરી પોરબંદર રેડક્રોસનો આભાર માન્યો હતો.