નાના એવા પોરબંદર જિલ્લામાં ત્રણ ત્રણ ટોલનાકા દ્વારા હાઇવે ઓથોરિટી ચલાવી રહી છે ઉઘાડી લૂંટ

પોરબંદરને લાગુ પડતા બંને નેશનલ હાઈવે પરના ટોલનાકા માં પોરબંદર જિલ્લાના લોકોને ટેક્સ મુક્તિ આપો: કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પાઠવાયું લેખિત આવેદન
પોરબંદર જિલ્લાને કેન્દ્ર સરકાર દ્વારા ગોર અન્યાય થઈ રહ્યો છે અને નાના એવા જિલ્લામાં ત્રણ ત્રણ ટોલનાકા દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે તેમ જણાવીને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીને પોરબંદર કોંગ્રેસ દ્વારા રજૂઆત થઈ છે અને ટેક્સ મુક્તિ માટે પોરબંદર જિલ્લાના લોકો વતી માંગ કરી છે.
પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી રામદેવભાઈ મોઢવાડિયાએ કેન્દ્રના કેબિનેટ મંત્રી એવા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે શિપિંગના મંત્રી નીતિન ગડકરીને વિસ્તૃત રીતે આવેદનપત્ર પાઠવી ને એવી માંગ કરી છે કે ગાંધીજી જ્યાં જન્મ્યા હતા તેવા પોરબંદર જિલ્લાને કેન્દ્ર સરકારે હાઇવે ઓથોરિટી દ્વારા અન્યાય થઈ રહ્યો છે કારણ કે નાના એવા પોરબંદર જિલ્લામાં ત્રણ ત્રણ ટોલનાકા દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઉઘાડી લૂંટ દિવસે અને રાત્રે ચલાવી રહી છે.
તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે પોરબંદરથી માત્ર આઠ કિલોમીટરના અંતરે વનાણા પાસે રાજકોટ નેશનલ હાઈવે પરનું ટોલ નાકું ઘણા વર્ષોથી અસ્તિત્વમાં છે અને લોકો ને તેમાં પણ ખાસ કરીને પોરબંદરવાસીઓને લુંટી રહ્યું છે. કારણ કે કોઈપણ શહેરથી આટલા નજીકના વિસ્તારમાં ટોલનાકું હોઈ શકે નહીં તેમ છતાં પોરબંદર અને રાણાવાવ વચ્ચે આવતું આ ટોલનાકુ દિવસ રાત પોરબંદર વાસીઓ પાસેથી તગડો ટોલટેક્સ વસૂલી રહ્યું છે. તો બીજી બાજુ પોરબંદરના કુછડી નજીક પણ દ્વારકા સોમનાથ નેશનલ હાઇવે પર બનાવાયેલું ટોલ નાકું પણ તગડો ટેક્સ વસૂલી રહ્યું છે. તો આજ નેશનલ હાઈવે પર માધવપુર જતા રસ્તે પણ મોચા નજીક આવતું ટોલનાકુ દિવસ રાત ઉઘાડી લૂંટ ચલાવે છે. આમ નાના એવા પોરબંદર જિલ્લામાં ત્રણ ત્રણ જેટલા ટોલનાકા દ્વારા લોકો પાસેથી તગડો ટોલટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે.
પોરબંદર થી રાજકોટ વચ્ચે આવતા વનાણા ગામ નજીકના ટોલનાકા, ઉપલેટા નજીકનું ટોલ નાકું અને જેતપુર નજીકનું ટોલનાકું એમ ત્રણ ત્રણ ટોલનાકાને લીધે સામાન્ય ફોરવીલ ને 350 રૂપિયા જેવો ચાર્જ ટેક્સનો આપવો પડે છે આ ચાર્જ ખૂબ જ અસહ્ય અને ગેર વ્યાજબી છે. તેમ જણાવીને રામદેવભાઈ મોઢવાડિયા એ પોરબંદર જિલ્લાના લોકોને ટોલટેક્સ માંથી મુક્તિ આપવા માંગ કરી છે.
તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે દ્વારકા પોરબંદર સોમનાથનો નેશનલ હાઈવે હોય કે પોરબંદર રાજકોટનો નેશનલ હાઈવે 8 બી હોય આ બંને નેશનલ હાઇવે ઉપર અનેક જગ્યાએ અસુવિધાઓ જોવા મળે છે ઠેર ઠેર ગાબડા પડી ગયા છે અને ડિવાઈડરોને ભાંગી તોડી નાખવામાં આવ્યા છે જેના લીધે વારંવાર અકસ્માતો સર્જાઇ રહ્યા છે તો આ નેશનલ હાઈવે ઉપર અડીંગો જમાવીને બેસતા પશુઓને કારણે પણ અનેક નિર્દોષ લોકોના ભોગ લેવાઈ ચૂક્યા છે. એટલું જ નહીં પરંતુ અનેક જગ્યાએ હાઇવે નજીક જ્યાં ગામ આવે છે ત્યાં ઓવરબ્રિજ પર લાઈટની પણ સુવિધાઓ નથી. પૂરતા પ્રમાણમાં સુવિધાઓ આપવામાં નિષ્ફળ હાઇવે ઓથોરિટી અને કેન્દ્ર સરકાર શા માટે તગડો ટોલટેક્સ પોરબંદર જિલ્લાના લોકો પાસેથી વસૂલી રહ્યું છે? તેવો સવાલ ઉઠાવીને જણાવ્યું છે કે પોરબંદર એ ગાંધીજીનું જન્મ સ્થળ અને સુદામાજીની ભૂમિ છે તેથી અહીંયા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ત્યારે તેઓ પણ ટોલ ટેક્સ વધુ પ્રમાણમાં વસૂલાતો હોવાથી આક્રોશ ઠાલવતા હોય છે તેથી પોરબંદરવાસીઓના હિતમાં અને પ્રવાસન ધામ તરીકે જો પોરબંદરને સારી રીતે વિકસાવવું હોય તો ટોલટેક્સમાં રાહત આપવી જોઈએ અને પોરબંદર જિલ્લાના લોકોને ટોલટેક્સમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવી જોઈએ તેવી મારી રજૂઆત છે તેમ નીતિન ગડકરીને રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા વિસ્તૃત આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે.
