માર્ગ સલામતી માસ અંતર્ગત ટ્રાફિક જાગૃતિ માટે ચોપાટી ખાતે પ્રદર્શન ખુલ્લું મુકાયું
પોલિસ અને જેસીઆઈ દ્વારા માર્ગ સલામતી માસ અંતર્ગત
ટ્રાફિક જાગૃતિ માટે ચોપાટી ખાતે પ્રદર્શન ખુલ્લું મુકાયું
જનતાએ અઠવાડિયા સુધી આ પ્રદર્શન નિહાળવા અપીલ
પોરબંદર પોલીસ અને જેસીઆઇ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે ચોપાટી ખાતે પોલિસ અધિક્ષકશ્રી બી.યુ.જાડેજાના હસ્તે એક તસ્વીર પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવેલ છે.
સડકની જાળ એ દેશની પ્રગતિનું મહત્વનું અંગ છે, પરંતુ અત્યારે આ સડકો ઉપર થઇ રહેલા માર્ગ અકસ્માતો એટલો જ ચિંતાનો વિષય બની ગયા છે. આથી આ માર્ગ અકસ્માતો નિવારવા માટે લોક જાગૃતિ લાવવા એક મહિના સુધી સમગ્ર રાજ્યની સાથે પોરબંદર પોલીસ અને જેસીઆઈ પોરબંદર દ્વારા માર્ગ સલામતી માસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ સાથે મળીને લોક જાગૃતિના જુદા જુદા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે.
જાણીતા લેખક અને ટ્રેનર ડો. અજયસિંહ જાડેજાએ રોડ સેફટી બાબતે જુદી જુદી જગ્યાએ થયેલા માર્ગ અકસ્માતોના ફોટોગ્રાફનું કલેક્શન કરીને લોક જાગૃતિ લાવવા મુહિમ ચલાવી રહ્યા છે. તેમણે લીધેલા માર્ગ અકસ્માતના તમામ ફોટોગ્રાફનું ચોપાટી ખાતે તા. 18 થી 24 જાન્યુઆરી સુધી ચિત્ર પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું છે. સવારથી સાંજ સુધી આ પ્રદર્શન નિહાળવા માટે જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે.
આ ચિત્ર પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પોલીસ વડા બી.યુ.જાડેજા, સીટી ડીવાયએસપી ઋતુ રાબા, રોડ સેફટી ટ્રેનર ડો. અજયસિંહ જાડેજા, જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણિયા, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના અનિલભાઈ કારીયા, જેસીઆઈ પોરબંદરના પ્રમુખ આકાશ ગોંદીયા, ટ્રાફિક પીએસઆઇ કે.એન.અઘેરા અને જુદી જુદી સંસ્થાઓના હોદેદારો તથા પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.