પોરબંદર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાઈ
જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીએ ધ્વજવંદન કર્યું
જિલ્લાના વિકાસ કામો માટે રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા આયોજન અધિકારીને અર્પણ કરાયો
વિવિધ કચેરીઓના ૨૯ કર્મયોગીઓનું સન્માન કરાયું
સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ વિભાગ દ્વારા કરતબ યોજાઈ
વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતની સંકલ્પનાને સાર્થક કરીએ: જિલ્લા કલેકટરશ્રી કે.ડી. લાખાણી
સરકારની યોજનાઓના ૯ ટેબ્લોનું પ્રદર્શન કરાયું
પોરબંદર તા.૨૬, ૭૫મા પ્રજાસત્તાક પર્વની પોરબંદર જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેકટર શ્રી કે.ડી. લાખાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. કલેક્ટરએ ધ્વજવંદન કરી જિલ્લા પોલીસ વડાશ્રી ભગીરથસિંહ જાડેજા સાથે ખુલી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા કલેકટરશ્રીએ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી બંધારણ ઘડવૈયાઓને યાદ કર્યા હતા.
આ તકે કલેક્ટરએ પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું કે, આપણા વડવાઓએ દેશને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે વિશ્વના અનેક દેશોનો દિવસ-રાત અભ્યાસ કરીને વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ નાગરિકોની સુખાકારી માટે આપ્યું છે. દેશમાં અમૃતકાળ ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ મોદીના નેતૃત્વમાં દેશ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ પટેલના નેજા હેઠળ ગુજરાત રાજ્ય સતત પ્રગતિ કરી રહ્યું છે. ત્યારે આપણે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતની સંકલ્પનાને સાર્થક કરવા કટિબદ્ધ થઈએ. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના ફળ પોરબંદર જિલ્લાના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સરકાર પ્રતિબધ્ધ છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા વિશ્વભરના રોકાણકારો ગુજરાતના આંગણે રોકાણ કરી રહ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા, સેવાસેતુ હોય કે મારી માટી મારો દેશ કાર્યક્રમ હોય, સરકારના માર્ગદર્શન હેઠળ કર્મયોગીઓ સતત જનહિતલક્ષી કાર્યોમાં કાર્યરત રહે છે. કૃષિ પશુપાલન, મત્સ્યદ્યોગ, શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળ કલ્યાણ, કાયદો અને વ્યવસ્થા સહિત તમામ ક્ષેત્રે પરિણામ લક્ષી કામગીરી ટીમ પોરબંદર દ્વારા કરવામાં આવી રહી છે.
પરેડ કમાન્ડર એમ.એન. બોરીસાગરની આગેવામા ૪ પ્લાટુનએ માર્ચ પાસ્ટ કરી હતી. કલેક્ટરએ તેમની સલામી ઝીલી હતી. પરેડમાં બે પુરુષ પ્લાટુન અને બે મહિલા પ્લાટુનને ભાગ લીધો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેતી બાગાયત અને આત્મા વિભાગ, મુખ્ય જિલ્લા આરોગ્ય કચેરી સહિત કુલ ૯ આકર્ષિત ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે સરકાર વતી જિલ્લા કલેકટરશ્રી દ્વારા વિકાસ કાર્યો માટે જિલ્લા આયોજન અધિકારીને રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા તથા વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, ગ્રુપ દ્વારા ૭ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. પોલીસ ટીમ દ્વારા અલગ-અલગ કરતબ યોજવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ કચેરીઓમાં વિશિષ્ટ કામગીરી કરનારા ૨૯ કર્મયોગીઓને મહાનુભાવોએ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમના અંતે તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
૨૬ જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરબતભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર મુકેશ જોશી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી હેતલબેન જોષી, તાલુકા પંચાયતના પ્રમુખ લીરી બેન ખૂટી, રમેશભાઈ ઓડેદરા, પોરબંદર-છાયા નગરપાલીકાના પ્રમુખ ચેતનાબેન તિવારી સહિતના અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ નાગરિકો તથા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.