પોરબંદરની બન્ને સરકારી હોસ્પિટલ બહાર ગંદકીનું સામ્રાજ્ય
દર્દીઓથી માંડીને તેના સ્વજનોના આરોગ્ય ઉપર પણ જોખમ:ઊંડી ખુલ્લી ગટરોની સફાઈ કરાવવી પણ જરૂરી બની:કોંગ્રેસ દ્વારા વહીવટીતંત્રને થઇ રજુઆત
પોરબંદરની બન્ને સરકારી હોસ્પિટલ બહાર ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. દર્દીઓથી માંડીને તેના સ્વજનોના આરોગ્ય ઉપર પણ જોખમ તોળાઈ રહ્યું છે.ત્યારે ઊંડી ખુલ્લી ગટરોની સફાઈ કરાવવા વહીવટીતંત્રને રજુઆત થઇ છે.
પ્રદેશ કોંગ્રેસના પુર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સીનીયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ તંત્રને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ અને રૂપાળીબા લેડી હોસ્પિટલની બહાર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.જેના કારણે દર્દીઓથી માંડીને તેના સ્વજનોના આરોગ્ય ઉપર પણ જોખમ સર્જાયું છે.તેમણે જણાવ્યું છે કે સરકારી ભાવસિંહજી હોસ્પિટલની બહાર આવેલા સી.એન.આઈ.ચર્ચ પાસેની ગટરો ઉપરાંત પોસ્ટમોર્ટમ રૂમ પાસે બંધ મિડલ સ્કુલ બહાર અને ખાણીપીણીની લારીઓ ઉભે છે ત્યાં ગંદકીનું વધુ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.તેવી જ રીતે રૂપાળીબા લેડી હોસ્પિટલ બહાર ફ્રુટ બજાર આવેલી છે.ત્યાં પણ ખુબ જ વધુ માત્રામાં ગંદકી ફેલાઈ રહી છે.જેના લીધે મરછર સહિત ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે.માટે પોરબંદર નગરપાલિકાના તંત્રએ અહી વ્યવસ્થિત રીતે સાફસફાઈ કરાવવાની સાથોસાથ જંતુનાશક દવાનો છંટકાવ પણ કરાવવો જોઈએ.તેમણે જણાવ્યું છે કે બહાર ઉભરાતી ગટરોમાં મેલેરિયાના મરછરોના ઉત્પાદન કેન્દ્રો ધમધમી રહ્યા છે.જેને કારણે હોસ્પિટલના દર્દીઓ જ નહી પરંતુ તબીબો અને સ્ટાફના આરોગ્ય ઉપર પણ જોખમ સર્જાયું છે.અહિયાં પોસ્ટમોર્ટમ રૂમ બહાર હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર આવેલા છે ત્યાં રહેતા કર્મચારીઓના જીવ ઉપર પણ જોખમ સર્જાઈ રહ્યું છે.તેમ જણાવીને પોરબંદર નગરપાલિકાનું તંત્ર અહિયાં વ્યવસ્થિત રીતે સાફસફાઈ કરાવે તેવી રજુઆત રામદેભાઈ મોઢવાડિયા દ્વારા થઇ છે.
*રેકડી વાળા ને હેરાન કર્યા વગર કામગીરી કરો*
રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે નવયુગ વિદ્યાલયની આજુબાજુ ખાણીપીણીની લારી રાખીને નાનો ધંધો કરતા ધંધાર્થીઓને હેરાન કર્યા વગર નગરપાલિકાના તંત્રએ સાફ-સફાઈ માટેની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ અને તે માટે ડસ્ટબિન આપવા સહિતની કામગીરી હાથ ધરવી જોઈએ તેવી પણ માંગ કરી છે