પોરબંદર રેડક્રોસ દ્વારા શાળા સલામતી સપ્તાહની ઉજવણી પૂર્ણ
વિવિધ શાળાઓમાં આપત્તિ વ્યવસ્થાપન તાલીમ અપાઈ
◆◆◆◆◆◆◆◆◆◆◆◆
આદિવાસી વિસ્તારોમાં પણ પોરબંદર રેડક્રોસ દ્વારા થયું આયોજન
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃતિ કેળવાય તે હેતુ સાથે શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખાના ચેરમેન લાખણશી ગોરાણિયાના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર કમિટીના કન્વીનર અને માસ્ટર ટ્રેનર ત્રિલોકકુમાર ઠાકર દ્વારા અઠવાડિયા દરમિયાન પોરબંદર જિલ્લાની અનેક શાળાઓના વિધાર્થીઓ અને વાલીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આજના વિધાર્થીઓ આવતી કાલના જવાબદાર નાગરિકો છે ત્યારે તેઓને કુદરતી અથવા માનવસર્જિત આફતોથી માહિતગાર કરવા અને તે અંગે જાગૃતિ લાવવા તથા આફત આવે ત્યારે બચાવ અને રાહત કાર્ય કઈ રીતે કરવું તેની વિધાર્થીઓ અને શિક્ષકોને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.
■ પોરબંદર રેડક્રોસ પહોંચ્યું આદિવાસી વિસ્તારોમાં:
રેડક્રોસ એ સમાજના નાનામાં નાના માણસની પણ ચિંતા કરતી વિશ્વવ્યાપી સંસ્થા છે. અતિ પછાત એવા આદિવાસી વિસ્તારો જેવા કે ડાંગ, આહવા, સાપુતારા વગેરે ખૂબ જ જંગલ વિસ્તારોમા આવેલ શાળાઓના બાળકો અને એમના વાલીઓને પણ આપત્તિ સમયે કેવી રીતે બચાવ અને રાહત કામગીરી કરવી એ બાબતે પોરબંદર રેડક્રોસના ટ્રેનર ત્રિલોકકુમાર ઠાકર દ્વારા પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. રાજ્યના છેવાળાના અતિ પછાત વિસ્તારોમાં પણ તાલીમ માટે વ્યવસ્થા કરવા બદલ ત્યાંના સ્થાનિકો અને જિલ્લા પ્રસાસને પોરબંદર રેડક્રોસનો આભાર વ્યક્ત કર્યો હતો.