પોરબંદરમાં બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી સંપન્ન.
“જળ, જમીન અને જંગલના રક્ષણ માટે પર્યાવરણ શિક્ષણ જરૂરી : આર.જી.ટી. કોલેજના પ્રાચાર્ય અને ક્લાસ ૧ ઓફિસર એસ. જે. ડુમરાળીયા”
વિ.જે. મોઢા કોલેજ ખાતે બર્ડ ફીડર અને ચકલીના માળા, માટીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ પર્યાવરણ ક્ષેત્રે સેવા કર્મીઓનું થયું સન્માન.
પોરબંદર: પોરબંદરને પક્ષીનગર તરીકે ઓળખવામાં આવે છે અને આ શહેર અને જિલ્લામાં હજારોની સંખ્યામાં વિવિધ પ્રકારના પક્ષીઓ વસવાટ કરે છે. આથી તેઓને દાણા, પાણીની વ્યવસ્થા માટે જુદી જુદી સંસ્થાઓથી માંડીને વ્યક્તિગત રીતે પણ લોકો કામ કરે છે.
પોરબંદર બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા તાજેતરમાં પોરબંદરની શ્રી વિ.જે. મોઢા કોલેજ ખાતે વિશ્વ ચકલી દિનની ઉજવણી સંદર્ભે યોજાયેલા ચકલીના માળાઓ, બર્ડ ફીડર, માટીના કુંડાનો વિતરણ અને પર્યાવરણના સેવા કર્મીઓનો સન્માન સમારોહના પ્રારંભે પોરબંદરની બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખશ્રી ભરતભાઈ રૂઘાણી એ આવકાર પ્રવચન આપતા જણાવ્યું હતું કે આજના સમયમાં ચકલીની સંખ્યા ઘટી રહી છે તેની પાછળનું કારણ બદલાતી જીવનશૈલી, સંકોચાતા મકાનો, દેશી નળિયાવાળા મકાનો તથા ભગવાન તથા વડીલોની છબીઓના સ્થાને બહુમાળી મકાનો તથા હીરો-હિરોઈનના પોસ્ટરોએ પ્રભુત્વ જમાવતા ચકલીઓની સંખ્યા ઓછી જોવા મળે છે. આ સંસ્થા છેલ્લા ૨૧ વર્ષથી પક્ષીઓના જતન માટે કાર્યરત છે. બર્ડ ફીડર, પાણીના કુંડા અને ચકલીના માળા લગાડવામાં આવ્યા બાદ પક્ષીઓનો કલબલાટ જોવા મળે છે.
કુછડી, હર્ષદ, માધવપુર, જામજોધપુર, કુતિયાણા તેમજ ગાંધીનગર, વિસનગર વગેરે સ્થળોએ સંસ્થાની સેવા પ્રવૃતિ એ હરણફાળ ભરી છે. વિવિધ શહેરો અને ગામડાઓના મકાનોમાં બર્ડ ફીડર, ચકલીના માળા, પાણીના કુંડા લગાડવામાં આવ્યા છે. સીતારામ નગર, પરેશ નગર, હાઉસીંગ કોલોની, છાંયા-નવાપરા, રવિ પાર્ક, ક્રિષ્ના પાર્ક, ડોક્ટર સોસાયટી, રાજીવ નગર, નિધિ પાર્ક, મહાવીર પાર્ક, બોખીરા, જ્યુબેલી જેવા અનેક વિસ્તારોમાં આ સંસ્થા દ્વારા વિનામૂલ્યે સેવા પૂરી પાડવામાં આવી છે. તેમજ લોકો તરફથી ભારે પ્રતિસાદ મળતા સંસ્થાએ તેનું ફલક વિસ્તાર્યું છે. લોકોના પ્રતિભાવ જોતા ચકલી જરૂર બચશે, મરશે નહીં એવી અમોને પ્રતીતિ થઈ રહી છે.
વિ.જે.મોઢા કોલેજ ખાતે યોજાયેલા આ વિશ્વ ચકલી દિન સમારોહનું મંગલદીપ પ્રગટાવી ખુલ્લો મૂકતા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેલા શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર ઘડતરમાં સમગ્ર ગુજરાતમાં મોખરાનુ સ્થાન ધરાવતી રાજ્ય સરકાર સંચાલિત આર.જી. ટીચર્સ કોલેજ તથા ડાયેટના સમગ્ર ગુજરાતમાં નાની વયે વર્ગ-૧ ના અધિકારી કેડરના પ્રિન્સીપાલ એસ.જે. ડુમરાળીયાએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજી, સુદામાપુરી અને સ્વામી વિવેકાનંદની કર્મભૂમિમાં શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરવાની એક ઉમદા તક મળી છે તેનું મને ગૌરવ છે. સારા વિચારો પ્રસ્થાપિત થાય તો જીવદયાની ભાવના આપોઆપ આવી શકે. મનુષ્ય એ મનુષ્યપણુ ખોઈ દીધું છે. તેનાથી પર્યાવરણના ઘણા પ્રશ્નો ઉભા થયા છે ત્યારે પ્રકૃતિની સામે નહીં પણ સાથે રહી આ વિનાશલીલાને અટકાવીએ. જળ, જમીન અને જંગલના રક્ષણ માટે પર્યાવરણ શિક્ષણ જરૂરી લેખાવીને બર્ડ કન્ઝર્વેશન સોસાયટીની પ્રવૃતિને બિરદાવીને ચકલી બચાવો અભિયાનમાં સૌને જોડાવાનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પોરબંદરની ડો.વી.આર. ગોઢાણીયા બી.એડ. કોલેજના ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકાર ડો. ઈશ્વરલાલ ભરડા એ જણાવ્યું હતું કે લય તૂટે ત્યારે પ્રલય થાય છે. આપણો પ્રકૃતિ સાથેનો લય તૂટ્યો છે. આપણે પ્રકૃતિ પાસેથી ઘણું છીનવી લીધું છે. હવે વૃક્ષો વાવીએ એ જ તેનો ઉકેલ છે. પ્રકૃતિ સાથે તાલમેલ મેળવી પર્યાવરણ બચાવવા લાઈફસ્ટાઈલ નહી બદલતો માનવ જાત લુપ્ત થઈ જશે માટે વિદ્યાર્થીઓ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કેળવે તે જરૂરી છે.
પર્યાવરણ ક્ષેત્રે અને ચકલી બચાવ અભિયાનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રકૃતિપ્રેમીઓ સર્વશ્રી માલદેભાઈ ચૌહાણ, તાજેતરમાં ચૂંટાયેલા સેવા કર્મી નગર સેવકો સરોજબેન કક્ક્ડ ગીતાબેન કાંતિભાઈ કાણકિયા, વેગડ ગોપાલભાઈ મિસ્ત્રી, માનવભાઈ કુહાડા, ક્રિષ્નાબેન ત્રિવેદીનું પાણીના કુંડા, ચકલી માળા, બર્ડ ફીડર તેમજ પ્રશસ્ય પત્ર દ્વારા શ્રી એસ. જે. ડુમરાળીયા તથા સંસ્થાના પ્રમુખ ભરતભાઈ રૂઘાણીના વરદ હસ્તે સન્માનિત કરાયા હતા.
આ તકે વી.જે. મોઢા કોલેજના પરિષદમાં મહાનુભાવોના વરદ હસ્તે આર્યુવૈદિક છોડ કાળી નગોરનું વૃક્ષારોપણ કરાયું હતું અને મોઢા કોલેજના વિદ્યાર્થીઓએ એક છોડ જરૂર વાવીશું તેવો સંકલ્પ કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન ભારતીબેન વ્યાસે કર્યું હતું. કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ મોઢા, એચઓડી વિશાલભાઈ પંડયા, પ્રિન્સિપાલ પરેશભાઈ સવજાણી, સમાજ શ્રેષ્ઠી કાંતિભાઈ કાણકિયા, કોલેજના વિદ્યાર્થીઓ, પ્રબુદ્ધ નાગરિકો એ માસ્ક, સેનેટરાઈઝ અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં દિવ્યાબેન રૂઘાણી, સુધાબેન શાહ, ચાંદનીબેન રાયઠઠા, ક્રિષ્નાબેન રૈયારેલા, સંગિતાબેન લાખાણી, પ્રકાશભાઈ ગોસ્વામી તેમજ નાથાભાઈ દાસા ખૂબ જહેમત ઉઠાવી હતી.
Please follow and like us:
CATEGORIES Porbandar