પોરબંદરમાંથી વધુ પાંચ માનસિક દિવ્યાંગોને બગોદરા ના આશ્રમમાં લઈ જવાયા
ઇન્દિરાનગર વિસ્તારમાંથી બે તથા જિલ્લા પંચાયત કચેરી પાસેથી એક અને છાયા વિસ્તારમાંથી એક એમ મળી કુલ ત્રણ સ્ત્રીઓ અને બે પુરુષોને માનવ મૂર્તિ માનવતા પરિવાર આશ્રમ ખાતે અપાયો આશરો: હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સેવા કર્મીઓની જહેમત રંગ લાવી
પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારોમાં દયનીય હાલતમાં જીવન ગુજારતા ત્રણ સ્ત્રી અને બે પુરુષો મળી પાંચ મનો દિવ્યાંગોને બગોદરા ખાતે આશ્રમમાં આજીવન આશરો આપવામાં આવ્યો છે પોરબંદરના હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સેવા કર્મીઓની જેમત રંગ લાવી છે ત્યારે માનવ મૂર્તિ માનવતા પરિવારના આશ્રમ ખાતે તેઓ સ્વસ્થ થઈ જશે ત્યાં સુધી સાચવવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યું છે.
પોરબંદરમાં જુદા જુદા પ્રકારની સેવા પ્રવૃત્તિઓ કરતી સંસ્થા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાના અને અન્ય આગેવાનોના ધ્યાને એવી બાબત આવી હતી કે પોરબંદર રેલવે સ્ટેશન માર્ગે છેલ્લું સ્ટેશન હોવાથી અહીંયા અવારનવાર બહારના રાજ્યમાંથી મોટી સંખ્યામાં મનોદિવ્યાંગ સ્ત્રી પુરુષો આવી પહોંચે છે અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતા હોય છે. પોરબંદરના ઇન્દિરા નગર વિસ્તારમાં એક મહિલા અને એક પુરુષ દિવ્યાંગ છે અને ખૂબ જ દયનીય અવસ્થામાં જીવન જીવી રહ્યા છે. એ જ રીતે પોરબંદરની જિલ્લા પંચાયત કચેરી પાસે એક મહિલા અને છાયા વિસ્તારમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભોજાભાઇ કાનાભાઈ ખુટીના નિવાસસ્થાન નજીક પણ રાજુ નામનો એક માનસિક અસ્વસ્થ વ્યક્તિ ફૂટપાથ પર રહીને લાચારીની અવસ્થામાં જીવતા હતા. આથી આવા લોકો ને અગાઉ પણ રામદેવભાઈ મોઢવાડિયા અને અન્ય આગેવાનો સહિત ટીમ દ્વારા અમદાવાદ નજીક બગોદરા ના આશ્રમ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા તેથી આ ચારે ચાર વ્યક્તિઓને પણ ત્યાં આશરો આપવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
તે અંગેની વધુ માહિતી આપતા રામદેવભાઈ મોઢવાડિયા એ જણાવ્યું હતું કે અમદાવાદ નજીક બગોદરા પાસે મંગલમૂર્તિ માનવતા પરિવાર આશ્રમ સેવાભાવી વ્યક્તિ દિનેશભાઈ લાઠીયા ચલાવી રહ્યા છે અને ત્યાં હાલ 650 જેટલા આ પ્રકારના મનોદિવ્યાંગ લોકોને સાચવવામાં આવી રહ્યા છે તથા તેઓને તમામ પ્રકારની સુવિધા આપવાની સાથોસાથ તેઓ સ્વાસ્થ્ય થઈ જાય તે માટે તબીબી સારવાર પણ આપવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં અનેક માનસિક અસ્વસ્થ લોકો ત્યાં રહીને આશ્રમમાં સ્વસ્થ થઈ ચૂક્યા છે અને તેઓ પુનઃ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે ત્યારે પોરબંદરથી પણ આ ચારે ચાર લોકોને ત્યાં મોકલી આપવાની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી.
આથી આ મનો દિવ્યાંગોને લઈ જવા માટે મંગલમૂર્તિ માનવતા પરિવાર આશ્રમ સંસ્થાના સંચાલક દિનેશભાઈ લાઠીયા પોરબંદર આવી પહોંચ્યા હતા અને રામદેવભાઈ મોઢવાડિયા સહિત તેમની ટીમ દ્વારા આ ચારે ચાર માનસિક અસ્વસ્થ વ્યક્તિઓને માટે જરૂરી પોલીસની કાર્યવાહી અને મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ચારે ચાર વ્યક્તિઓને ત્યાં લઈ જવામાં આવ્યા છે અને ત્યાં માનસિક રીતે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય ત્યાં સુધીની તમામ સારવાર આપવામાં આવશે અને એ પછી તેમને પુનઃ તેમના વતન મોકલી દેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.
માનવતા ની મિશાલ સમા આશ્રમ ખાતે અગાઉથી 650 થી વધુ મનોદ દિવ્યાંગ લોકોની સેવા કરવામાં આવી રહી છે તેની સાથે જ વધુ ચાર લોકોને સાચવવામાં આવશે તેમજ તેમને જરૂરી સાર સંભાળ સાથેની સારવાર પૂરી પાડવામાં આવશે ત્યારે રામદેવભાઈ મોઢવાડિયા અને ઠેબાભાઇ સહિત લાખાભાઈ ભોજાભાઇ ખૂટી અને અન્ય આગેવાનોએ હંમેશા બારેમાસ સેવા પ્રવૃત્તિઓને ધમધમતી રાખનારા સંસ્થાના સંચાલક દિનેશભાઈ લાઠીયાનો ખાસ આભાર માન્યો હતો.
હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા એ વધુ માહિતી આપતા જણાવ્યું છે કે ગાંધી અને સુદામાની નગરી પોરબંદર શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં અનેક જગ્યાએ મનો દિવ્યાંગ લોકો રસ્તે રઝડતા નજરે ચડી રહ્યા છે તેમાં પરપ્રાંતીય મહિલાઓનું પણ નોંધપાત્ર પ્રમાણ છે. કારણકે રેલવે માર્ગે પોરબંદર એ છેલ્લું સ્ટેશન છે તેથી અહીંયા અન્ય રાજ્યમાંથી આવી ઘણી બધી મહિલાઓ અને પુરુષો ભૂલા પડીને આવી જાય છે અને ફૂટપાથ ઉપર લાચાર અવસ્થામાં જીવન જીવતા હોય છે તેથી ભૂતકાળમાં આવી મહિલાઓ સાથે છેડતી અને બળાત્કારના બનાવો પણ બની ચૂક્યા છે તેથી તેમની સલામતી માટે યોગ્ય વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી બની જાય છે. નિશા વ્યવસ્થામાં જીવન ગુજરાતી આવી મહિલાઓની ભાષા પણ વિચિત્ર હોય છે અને તેને કોઈ સમજી શકતું નથી આવી અનેક મહિલાઓને અગાઉ તેમના ઘર સુધી પહોંચાડવા માટે સામાજિક સંસ્થાના આગેવાનોએ પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેમના વતન સુધી પહોંચાડવા માટે નકર કાર્યવાહી થતી નથી આથી જો આવી મહિલાઓને શોધીને બગોદરના આશ્રમ ખાતે મોકલી આપવામાં આવે તો ત્યાં સારી રીતે તેમને સાચવવામાં આવશે અને તેઓ સ્વસ્થ થઈ જાય તે પ્રકારનું કાઉન્સેલિંગ કરીને અને સારવાર આપીને પછી તેમને તેમના વતન પણ મોકલી આપવામાં આવશે તેથી ક્યાંય પણ આ પ્રકારની કોઈપણ લાચાર નિરાધાર અને દયનીય અવસ્થામાં જીવતા લોકો નજરે પડે તો રામદેવભાઈ મોઢવાડિયા નો સંપર્ક સાધી શકાય છે તેમ અંતે ઉમેર્યું હતું.
ઇન્દિરા નગરમાં નાની ઓરડીમાં એક મહિલા અને બાજુની ઓરડીમાં તેનો ભાઇ રહેતો હતો. મહિલા અંશતઃ નિર્વસ્ત્ર હાલતમાં હતી. આ મહિલાને પાડોશની મહિલાઓએ અને મારી સાથેની ટીમના સેવાભાવી સભ્યો ચિરાગભાઈ ઓડેદરા, કાના દેવશીભાઈ પરમાર, જયમલ વેજાભાઈ પરમાર, મસરીભાઈ ગોઢાણીયા સહિતના યુવાનોએ નહાવા માટેનું પાણી સહિતની વ્યવસ્થા કરીને મહિલાને એમ્બ્યુલન્સમાં બેસાડી હતી. બાજુની ઓરડીમાં રહેતો તેનો ભાઇ ઝનૂની સ્વભાવનો હતો. તેને ખુબ જ મુશ્કેલીથી ચિરાગ ઓડેદરા, કાના દેવશીભાઈ પરમાર, જયમલ વેજાભાઈ પરમારે એમ્બ્યુલન્સમાં બેસાડ્યો હતો.
જીલ્લા પંચાયતના સભ્ય ઠેબાભાઇ ચૌહાણ પણ કુતિયાણાથી જીલ્લા પંચાયતના દરવાજે બેઠી રહેતી એક પરપ્રાંતીય મહિલાને મોકલવા માટે કુંભારવાડાના સેવાભાવી આગેવાનશ્રી પોલાભાઈ ભૂતિયા જે પરપ્રાંતીય મહિલાની સેવા ચાકરી કરતા હતા, તેને સંબંધીના લગ્ન અધૂરા મુકાવીને બોલાવ્યા હતા. અને પોલાભાઈના કહેવાથી એમ્બ્યુલન્સમાં બેસવા માટે જે મહિલા તૈયાર ન હતી તે મહિલા તરત જ એમ્બ્યુલન્સમાં બેસી ગઈ હતી.
એ સિવાય વિર ભનુની ખાંભી પાસે અને ચોપાટીમાં રખડતી રહેતી મહિલાને પણ એમ્બ્યુલન્સમાં બેસાડી દીધી હતી.
આશ્રમના નિયમ મુજબ બંને મહિલાઓ જીલ્લા પંચાયતના દરવાજા પાસે બેસતી અને ચોપાટીએ રખડતી મહિલાની ઉમર નાની હોવાથી રૂપાલીબા હોસ્પિટલમાં પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવ્યો હતો. અને પ્રેગ્નન્સી ટેસ્ટ માટેની સેવા ડૉ. પારસ મજીઠિયા અને ડૉ. અમિત રાઠોડે આપી હતી.
શહેરના ડી.વાય.એસ.પી. રૂતુબેન રાબા, કમલાબાગના પી.આઈ. પરમાર અને રાઈટર સુરેશભાઈ અને મહિલા કોન્સ્ટેબલોએ સહયોગ આપ્યો હતો.
સુપ્રીમ કાઉન્સિલના ઉપ-પ્રમુખ નવઘણભાઈ મોઢવાડિયા અને નગરપાલિકાના સભ્ય લાખાભાઇ ભોજાભાઈ ખુંટી પણ કાર્યમાં મદદરૂપ થયા હતા.