પોરબંદરની લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી માટે તંત્ર સજજ
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪
પોરબંદરની લોકસભાની બેઠકમાં ૧૭.૬૨ લાખ મતદારો અને વિધાનસભામાં ૨.૬૨ લાખ મતદારો ઉમેદારોના ચૂંટણીખર્ચ પર દેખરેખ રખાશે
******************************
કાયદો વ્યવસ્થા, મતદાન અને અન્ય ચૂંટણીની કામગીરી માટે
વિવિધ ટીમોની રચના
******************************
પોરબંદર જિલ્લામાં ૩૦૦૦થી વધું કર્મચારીઓ બજાવશે ચૂંટણી ફરજ
******************************
પોરબંદર કલેકટર કે.ડી.લાખાણીના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઇ
******************************
પોરબંદર જિલ્લામાં ત્રીજા તબક્કામાં મતદાન તા.૦૭ મે ના રોજ ચૂંટણી યોજાશે
******************************
વધુને વધુ મતદારો લોકશાહીના પર્વમા ભાગ લઇ મતદાન કરે તેવી કલેકટરએ મતદારોને મીડિયાના માધ્યમથી અપીલ કરી
પોરબંદર તા,૧૭. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે જિલ્લા કલેકટર કે.ડી.લાખાણીના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઇ હતી. કલેકટરએ મિડીયાના કર્મચારીઓને વિગતો આપતા જણાવ્યુ હતુ કે, ભારતના ચૂંટણી પંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ની જાહેરાત તા.૧૬ માર્ચના રોજ કરવામાં આવી છે. જે મુજબ પોરબંદર જિલ્લામાં ત્રીજા તબક્કામાં મતદાન તા.૦૭ મે ના રોજ ચૂંટણી યોજાનાર છે. મતગણતરી તા.૦૪ જૂનના રોજ થનાર છે. જિલ્લામાં ૧૧-પોરબંદર લોકસભા મતવિભાગની ચૂંટણી સાથે-સાથે ૮૩-પોરબંદર વિધાનસભા મતવિભાગની પણ પેટા ચૂંટણી યોજાનાર છે. પોરબંદર જિલ્લાના વધુને વધુ મતદારો લોકશાહીના પર્વમા ભાગ લઇ મતદાન કરે તેવી કલેકટરશ્રીએ મતદારોને મીડિયાના માધ્યમથી અપીલ કરી હતી.
ચૂંટણી પંચનું જાહેરનામું બહાર પાડવાની તા.૧૨/૦૪/ર૦ર૪, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા.૧૯/૦૪/ર૦ર૪, ઉમેદવારી પત્રોની ચકાસણીની તા. ૨૦/૦૪/ર૦ર૪, ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તા.૨૨/૦૪/ર૦ર૪, મતદાનની તા.૦૭/૦૫/ર૦ર૪, મતગણતરીની તા.૦૪/૦૬/ર૦ર૪, ચૂંટણી પ્રક્રિયા પુરી કરવાની છેલ્લી તા.૦૬/૦૬/ર૦ર૪ રોજ છે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવે છે.
કોઇપણ જાતની પરીયોજના કે યોજનાનું શિલારોપણ કરી શકાશે નહી અથવા ઉદ્ઘાટન લોકાપર્ણ કરી શકાશે નહીં, વિશ્રામગૃહ, ડાકબંગલા અને સરકારી રહેણાંકનો ચૂંટણી વિષયક હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં. રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મીટીંગને તેમાં મંજુરી આપી શકાશે નહીં, ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હીની વેબસાઇટ www.eci.gov.in છે. આ વેબસાઇટમાં ઉપર લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અનુસંધાને પ્રેસનોટ અને આચારસંહિતા અન્વયે મુળ સુચનાઓ અંગ્રેજીમાં મુકવામાં આવેલ છે, આચારસંહિતા અમલમાં આવતા બેનર, હોર્ડીંગ્સ, ઝંડી, પોસ્ટર ભીંત લખાણો, કટઆઉટ વગેરે દુર કરવાની કામગીરી શરૂ કરવા માટે સબંધિત નોડલ અધિકારીશ્રી આચારસંહિતાને સૂચના આપવામાં આવેલ છે. અત્યાર સુધી ખાનગી અને સરકારી મકાનો પર ૫૦૦ જેટલા બેનર, વોલ પેઇન્ટીંગ દૂર કરાયા છે. આ કામગીરી હજુ ચાલુ છે.
આચારસંહિતાના અમલ અર્થે નોડલ ઓફીસરશ્રી તથા તેમના મદદનીશની નિમણૂંક કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ દેખરેખની ટીમની નિમણૂંક કરેલ છે. સ્ટેટીક સર્વેલન્સ ટીમ તા.૧૨/૦૪/૨૦૨૪ થી કાર્યરત કરવામાં આવશે. જ્યારે ફ્લાઇંગ સ્ક્વોર્ડ તા.૧૬/૦૩/૨૦૨૪થી શરૂ કરવામાં આવેલ છે. નોડલ ઓફીસર ફોર એક્ષ્પેન્ડીંચર તરીકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોરબંદરને નિયુકત કરવામાં આવેલ છે. લોકસભા ચૂંટણીમાં ચૂંટણી લડતા ઉમેદવારને ખર્ચ કરવાની મર્યાદા વધુમાં વધુ રૂા. ૯પ,૦૦,૦૦૦/- નક્કી થયેલ છે. વિધાનસભા પેટા ચૂંટણીમાં ચૂંટણી લડતા ઉમેદવારને ખર્ચ કરવાની મર્યાદા વધુમાં વધુ રૂા. ૪૦,૦૦,૦૦૦/- નક્કી થયેલ છે.
પોરબંદર જિલ્લામાં તા.૦૫.૦૧.૨૦૨૪ના રોજ પ્રસિધ્ધ થયેલ આખરી મતદારયાદી મુજબ ૨,૫૦,૭૩૪ પુરૂષ મતદારો ૨,૩૯,૪૦૧ સ્ત્રી મતદારો ૮-થર્ડ જેન્ડર મતદારો મળી કુલ-૪,૯૦,૧૪૩ મતદારો નોંધાયેલ છે. ૧૧-પોરબંદર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ થતા કુલ-૭ વિધાનસભા મતવિભાગના કુલ મતદારોની સંખ્યા ૧૭,૬૨,૬૦૨ છે. જેમાં ૯,૦૯,૫૨૯ પુરૂષ મતદારો તથા ૮,૫૩,૦૫૦ સ્ત્રી મતદારો અને ૨૩ થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. જે પૈકી ૮૩-પોરબંદર વિધાનસભા મતવિભાગમાં ૧૦૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા મતદારોની સંખ્યા-૪૯ છે. જ્યારે ૮૪-કુતિયાણા વિેધાનસભા મતવિભાગમાં આવા કુલ- ૪૮ મતદારો છે. આમ જિલ્લામાં કુલ ૧૦૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા મતદારોની સંખ્યા-૯૭ છે. પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ૨.૬૨ લાખ મતદારો નોંધાયેલા છે.
તા.૦૫/૦૧/ર૦ર૪ બાદ પણ મતદારયાદી સતત સુધારણા કાર્યક્રમ ચાલુ છે. જેમાં તા.૦૯/૦૪/૨૦૨૪ સુધી મળેલ ફોર્મનો નિર્ણય કરી શકાશે.જે ફોર્મના નીકાલની કાર્યવાહી ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસ એટલે કે તા.૧૯/૦૪/૨૦૨૪ ના રોજ પુર્ણ થશે ત્યાર બાદ આખરી મતદારો જાહેર કરવામાં આવશે. વધુમાં ખાસ એ બાબત જણાવવાનું કે ડ્રાફ્ટ રોલ-૨૦૨૪માં પુરૂષની સામે સ્ત્રી મતદારોની આંક એટલે કે જેન્ડર રેશીયો-૯૫૧ હતો જે ફાઇનલ રોલ-૨૦૨૪ માં વધુમાં વધુ સ્ત્રી મતદારોની નોંધણી કરાવી અને આ રેશીયો ૯૫૫ થયેલ છે. આમ પોરબંદર જિલ્લામાં ૧૦૦૦ પુરૂષ મતદારોની સાપેક્ષમાં હાલ ૯૫૫ સ્ત્રી મતદારો નોંધાયેલ છે. જે રાજ્યનો રેશીયો ૯૪૧ છે જેનાથી વધુ છે.
૧૧-પોરબંદર લોકસભા મતવિભાગના જિલ્લામાં ૧૮૦૬ મતદાન મથકો પૈકી મહિલા મતદાન મથકો, દિવ્યાંગ, યુવા તથા મોડલ મતદાન મથકનો સમાવેશ થાય છે. પોરબંદર જિલ્લામાં કુલ મતદાન મથકો ૪૮૪ ના પ૦ % મતદાન મથકો એટલે કે ૨૪૨ મતદાન મથકો ઉપર વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. પોરબંદર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના અનુસંધાને ૩૨૦૯ મતદાન સ્ટાફનો ઉપયોગ કરાશે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે જિલ્લા કક્ષાએ રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલ રૂમ શરૂ કરાયુ છે. જેના ટોલ ફ્રી નં.૧૯૫૦, ૧૮૦૦૨૩૩૪૫૧૭ તથા ૦૨૮૬-૨૨૫૦૦૫૦/૫૧/૫૨/૫૩ નો સમાવેશ થાય છે.
સોશય્લ મીડીયામાં ફેલાતા ફેક ન્યુઝ બાબતે અંકુશ લાવવા તથા મતદારોને ફેકન્યુઝના કારણે ગેરમાર્ગે ન દોરાય તે માટે વ્યવસ્થા કરી નોડલ અધિકારીની નિમણૂંક કરાઇ છે. આચાર સંહિતા ભંગની ફરિયાદ બાબતે લાઇવ વિડીયો કે લાઇવ ફોટોગ્રાફ્સ સાથે પણ C-Vigil પોર્ટલ પર ફરીયાદ કરી શકાશે. C-Vigil પોર્ટલ પર આવતી ફરીયાદોનો ૧૦૦ મીનીટમાં નિકાલ કરવાનો થાય છે.
વધુમાં મતદાન સમયે મતદારોને કોઇ મુશ્કેલી ન પડે દરેક મતદાન મથકો ખાતે એસ્યોર્ડ મીનીમમ ફેસીલીટી (AMF) જેવી કે પીવાનું પાણી, રેમ્પ, ફર્નિચર, છાંયડા માટે શેડ,શૌચાલય, લાઇટીંગ વિગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ દરેક મતદાન મથક ખાતે મતદારોને માહિતગાર કરવા માટે દરેક મતદાન મથક લોકેશન ખાતે વોટર આસિસ્ટન્ટ બુથ(VAB) ઉભા કરવામાં આવશે જેમાં સબંધિત ભાગના બી.એલ.ઓ. જરૂરી વિગતો સાથે હાજર રહેશે. તેમજ દરેક મતદાન મથક ખાતે વેસ્ટ મેનેજમેન્ટ વ્યવસ્થા કરવામાં આવનાર છે.
આ મીડીયા સાથેની આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠકકર, એસ.પી ભગીરથસિંહ જાડેજા, અધિક કલેકટર રાજેન્દ્રસિંહ રાયજાદા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી હિરલ દેસાઇ અને સહાયક માહિતી નિયામક નરેશ મહેતા તેમજ સિનિયર મીડીયા કર્મીઓ ઉપસ્થિત રહયા હતા.