એશિયાઈ સિંહોની વસાહતનું નવું આવાસસ્થાન બરડા જંગલ સફારી વિશે જાણો મહત્વની…
એશિયાઈ સિંહોની વસાહતનું નવું આવાસસ્થાન બરડા જંગલ સફારી વિશે જાણો મહત્વની માહિતી
ગીર અભ્યારણ ના સફળ મોડેલ પર આધારિત બરડા વનયજીવ અભ્યારણ માં ઇકો ટુરિઝમ નું આયોજન
પોરબંદર થી 15 કિમિ દૂર આ અભયારણ્ય માં એશિયાઈ સિંહો ની સુરક્ષિત કુદરતી વસાહત તરીકે વિકાસ પામ્યું છે
ધનતેરસના પાવન દિવસે બરડા જંગલ સફારી (ફેઝ-1)નું ઉદ્ઘાટન મુળુભાઈ બેરા ( મંત્રી, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ) ગુજરાત રાજ્ય નાં હસ્તે આગામી તા.૨૯/૧૦/૨૦૨૪નાં રોજ કપુરડી ચેકપોસ્ટ ખાતે કરવામા આવશે
ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) દ્વારા ૧૯૯૬ માં જણાવ્યા પ્રમાણે ઇકોટુરિઝમ (પરીસરીય પ્રવાસન) એટલે પ્રાકૃતિક / કુદરતી વિસ્તારોની મુલાકાત દરમ્યાન પર્યાવરણીય જવાબદારીઓને ધ્યાનમાં રાખવી, જેના મુખ્ય હેતુઓમાં ઐતિહાસિક અને અદ્યતન સાંસ્કૃતિક લાક્ષણિકતાઓનો સમાવેશ કરીને પ્રકૃતિનો આનંદ માણવો અને તેનું પ્રશંસાપૂર્વક નિરીક્ષણ કરવું જોઈએ. ઇકોટુરિઝમ (પરિસરિય પ્રવાસન), કુદરતી સંસાધનોના સંરક્ષણને પ્રોત્સાહન આપે છે, મુલાકાતીઓ દ્વારા થતી વિપરીત અસરોનો ઓછામાં ઓછો પ્રભાવ રહે, સ્થાનિક સમુદાયોને સામાજિક-આર્થિક લાભ પણ મળી રહે તેમજ તેઓ પરીસ્થીતીકીય સંરક્ષણ, પર્યાવરણીય અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં પણ સહભાગી બને. બરડા વન્યજીવ અભયારણ્યમાં ઇકોટુરિઝમનું આયોજન, ગીર અભયારણ્યના સફળ મોડેલ પર આધારિત છે.
બરડા વન્યજીવ અભયારણ્ય: એશિયાઈ સિંહોની વસાહતનું નવું આવાસસ્થાન :
વિશ્વમાં એશિયાઈ સિંહોની કુદરતી વસાહત માટે નવા નિવાસસ્થાન તરીકે ઊભરતા બરડા વન્યજીવ અભયારણ્ય કે જે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના હૃદયમાં વસેલું છે, ત્યાં આપને આવકારીએ છીએ. પોરબંદર શહેરથી લગભગ ૧૫ કિ.મી.ના અંતરે ઉત્તર-પૂર્વમાં અને ગીરના સુપ્રસિદ્ધ સંરક્ષિત વિસ્તારથી ૧૦૦ કિ.મી. પશ્ચિમમાં સ્થિત આ અભયારણ્ય એશિયાઈ સિંહોની સુરક્ષિત કુદરતી વસાહત તરીકે વિકાસ પામ્યું છે. બરડા વન્યજીવન અભયારણ્યમાં વૈવિધ્યસભર અને કુદરતી રીતે સંપન્ન એવી વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ સાથે, પ્રકૃતિપ્રેમીઓ અને વૈજ્ઞાનિકો/નિષ્ણાંતોને પ્રકૃતિના આ અજોડ ખજાનાને માણવાનો અનોખો અવસર પ્રદાન કરે છે.
ગુજરાત સરકાર દ્વારા તા. ૧૨ ફેબ્રુઆરી ૧૯૭૯ ના રોજ બરડા વિસ્તારને વન્યપ્રાણી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ અભયારણ્ય મોડપર કિલ્લો, નવલખા મંદિર, જેઠવા શાસકોની પ્રાચીન રાજધાની ઘુમલી જેવા ઐતિહાસિક સ્થળોથી ઘેરાયેલું છે. વર્ષ ૧૮૭૯ માં સિંહોનું એક ટોળું બરડા અભયારણ્યમાં જોવા મળ્યું હતું, ત્યારબાદ દાયકાઓ પછી તા. ૧૯ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ, એક નર એશિયાઈ સિંહે કુદરતી રીતે બરડા વન્યપ્રાણી અભયારણ્યમાં પોતાના આવાસસ્થાન તરીકે વસવાટ કર્યો છે, જે એક ઐતિહાસિક ઘટના કહી શકાય.
બરડા જંગલ સફારીમાં ભાણવડ અને રાણાવાવ તેમજ બરડા વન્યપ્રાણી અભયારણ્યના સૌથી મનોહર વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. માર્ગદર્શિત સફારી દ્વારા પ્રવાસીઓને બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ જૈવવિવિધતાનો રોમાંચક અનુભવ પ્રાપ્ત થશે. આ સફારી માર્ગ જાજરમાન કીલગંગા નદીના સાનિધ્યમાંથી પસાર થાય છે, અને બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ વનસ્પતિ સૃષ્ટિ તેમજ વિશિષ્ટ પ્રાણી સૃષ્ટિને નિહાળવાની અનોખી તક આપે છે.
સફારી પરમીટ મેળવવા માટે પ્રવાસીઓએ ટિકિટ બારી પર અગાઉથી બુકિંગ કરાવવું જરૂરી છે. ટૂંક સમયમાં, આ પરમીટ માટે ઓનલાઈન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ થશે, જેથી પ્રવાસીઓ વધુ સહેલાઈથી અને આગોતરું આયોજન કરી શકે.
મુલાકાતનો સમય :
શિયાળો (૧૬ ઑક્ટોબર થી ૨૮/૨૯ ફેબ્રુઆરી)
સોમ થી રવિ
સવારે ૪:૪૫ થી ૯:૪૫
સાંજે ૩:૦૦ થી ૬:00
ઉનાળો (૧ માર્ચ થી ૧૫ જૂન)
સોમ થી રવિ
સવારે ૬:૦૦ થી ૯:૦૦
સાંજે ૪:૦૦ થી ૭:૦૦
નોંધ : દર વર્ષે ૧૬ જૂનથી ૧૫ ઑક્ટોબર દરમિયાન બરડા વન્યજીવ અભયારણ્ય બંધ રહેશે, જેની મુલાકાતીઓએ ખાસ નોંધ લેવી.
બરડા જંગલ સફારી ફેઝ-૧ નો કુલ ૨૭.૭૫ કિ.મી. નો રૂટ છે. જેમાં કપુરડી નાકા થી ચારણુંઆઈ બેરીયર, અજમાપાટ, ભુખબરા થી પરત કપુરડી નાકા સુધીનો છે. તેમજ સફારી માટે ઓપન જીપ્સી રાખવામાં આવેલ છે. જેમાં ૬ પ્રવાસીઓ બેસી શકશે.
બરડા વન્યજીવ અભયારણ્ય ની જૈવવિવિધતા
વનસ્પતિ જૈવવિવિધતા :
અભયારણ્યનું વૈવિધ્યસભર નિવસનતંત્ર ૩૬૮ વનસ્પતિ પ્રજાતિઓને આશ્રય આપે છે, જેમાં ૫૯ વૃક્ષો, ૮૩ છોડ, ૨૦૦ ક્ષુપ અને ૨૬ વેલાઓની પ્રજાતિઓ નો સમાવેશ થાય છે (રાવીયા, ૨૦૨૦). વનસ્પતિની ૩૬૮ પ્રજાતિઓમાં, ક્ષુપનું પ્રમાણ સૌથી વધુ (૫૪%) છે, ત્યારબાદ છોડ (૨૩%), વૃક્ષો (૧૬%) અને વેલાઓ (૭%)નો સમાવેશ થાય છે. વનસ્પતિઓમાં રાયણ બરડાની સૌથી મહત્વપૂર્ણ પ્રજાતિઓમાંની એક છે.
પ્રાણી સૃષ્ટિની જૈવવિવિધતા:
સસ્તન પ્રાણીઓ – લગભગ ૧૪ દાયકા પછી આ જંગલના વિસ્તાર કરી એક વખત એશિયાઈ સિંહોની હાજરીનું ગૌરવ અનુભવી રહ્યું છે. આ ઉપરાંત, બરડા કુલ ૨૨ સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ માટેનું નિવાસસ્થાન છે, જેમાં દીપડા, જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજ/નાનું વણીયર, શિયાળ, લોંકડી અને સસલા સામેલ છે. આ ઉપરાંત અભયારણ્ય હરણ, સાબર, ચિત્તલ, નીલગાય અને જંગલી ભૂંડ જેવા પ્રાણીઓનું પણ રહેઠાણ છે.
પક્ષીઓ-
અભયારણ્યમાં પક્ષીઓની વિવિધતા આશ્ચર્યજનક છે. જેમાં ૬૯ પ્રજાતિઓનો સમાવેશ થાય છે (મીના અને કુમાર, ૨૦૧૪). તેતર, વન લાવરી/ વન ભડકીયું, વગડાઉ ભડકીયું, મોર, ચાશ/ દેશી નીલકંઠ, શ્વેત કંઠ કલકલિયો જેવા પક્ષીઓને તમે સહેલાઈથી નિહાળી શકો છો.
સરિસૃપો – આ અભયારણ્યમાં સરિસૃપની ૨૮ પ્રજાતિઓ જોવા મળે છે. અભયારણ્યમાં જળાશ્રાયો મગરો માટે સમૃદ્ધ નિવાસસ્થાનો પ્રદાન કરે છે. અન્ય સરિસૃપોમાં કાચબા, ઘો, સર્પની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. દુર્લભ હોવા છતાં, અજગરો ક્યારેક નદીઓના કિનારે જોવા મળે છે.
બરડા વન્યજીવ અભયારણ્ય પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એમ બે જિલ્લાઓમાં વિસ્તૃત છે. આ અભયારણ્ય સડક માર્ગોથી સારી રીતે સંકળાયેલ છે, જેથી નજીકના નગરો અને શહેરો સુધી સહેલાઇથી પહોંચવું શક્ય બને છે. બરડા વન્યજીવ અભયારણ્યમાં પોરબંદર, જામજોધપુર, ઉપલેટા, જામનગર અને જૂનાગઢ જેવા મહત્વપૂર્ણ શહેરોમાં સરળતાથી પહોંચી શકાય છે. ઉપરાંત, આ અભયારણ્ય રાજકોટ (૧૭૦ કિ.મી.) અને અમદાવાદ (૪૩૦ કિ.મી.) જેવા મુખ્ય શહેરો સાથે પણ સારી રીતે જોડાયેલું છે.
બરડા જંગલ સફારી સુધી પહોંચવા માટે હવાઈ માર્ગ/રેલ્વે માર્ગ/ભૂમિ માર્ગ ની વિગત :
હવાઈ માર્ગ : રાજકોટ (૧૭૦ કિ.મી.)
રેલ માર્ગ : પોરબંદર (૪૦ કિ.મી.) અને જામનગર (૮૨ કિ.મી.)
ભૂમિ માર્ગ : રાજ્ય ધોરીમાર્ગ (સ્ટેટ હાઇવે) ૨૭, પોરબંદર અને જામનગર શહેરોને જોડતો મુખ્ય માર્ગ છે.
બરડા જંગલ સફારી માટે વધુ વિગત માટે નીચે દર્શાવેલ કોન્ટેક્ટ:
નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી, પોરબંદર વન વિભાગ, ફોરેસ્ટ કોલોની, ચોપાટી ગ્રાઉન્ડ પાસે, રામ મંદિર સામે, પોરબંદર ફોન નં.:- ૦૨૮૬-૨૨૪૨૫૫૧