ઓર્ગેનિક ફાર્મિંગ અંતર્ગત ભોરાસર સીમ શાળા રાણાવાવ એ શ્રેષ્ઠ કામગીરી કરી
રાસાયણિક દવા અને ખાતરનો દૂર ઉપયોગ ઘટે અને ખેડૂતો અને સમાજ ઓર્ગેનિક તરફ વળે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. સિક્કિમ જેવા રાજ્યમાં રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ થતો નથી. પંજાબ જેવા રાજ્યોમાં રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગને લીધે ઘરે ઘરે કેન્સર જેવા જીવલેણ બીમારીએ ભરડો લીધો છે ત્યારે ગુજરાત રાજ્યમાં પણ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત ઓર્ગેનિક ફાર્મિંગ અંગે સતત પ્રયત્નશીલ છે. તેઓ વારંવાર પ્રવચનમાં ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વાળવા લોકોને અપીલ કરે છે.
રાજ્ય સરકારે શિક્ષણ વિભાગ મારફત પ્રત્યેક તાલુકાની એક પ્રાથમિક શાળાને ઓર્ગેનિક ફાર્મિંગની પ્રવૃત્તિ કરવા અંગે ગ્રાન્ટ પણ ફાળવવામાં આવેલ છે. તેમાં રાણાવાવ તાલુકામાં શ્રી ભોરાસર સીમ શાળાને આ માટે પસંદ કરવામાં આવેલ છે. આ શાળા ગ્રીન સ્કૂલ છે અને તેને આ અંગેના એવોર્ડ પણ મળેલ છે. હાલ શાળામાં વિવિધ પ્રકારના ઋતુ અનુસાર ના શાકભાજી કોઈ પણ જાતની રાસાયણિક ખાતર કે દવા વિના ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવે છે અને આ શાકભાજીનો ઉપયોગ વિદ્યાર્થીઓના કુપોષણ નિવારણ માટે કરી, મધ્યાહન ભોજનમાં આપવામાં આવે છે. શાળામાં કેરી, કેળા, બદામ, ચીકુ, બોર વગેરે જેવા ફળો ઉગાડી વિદ્યાર્થીને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે. સાથે સાથે શાળાની નર્સરીમાં લોકોની સુખાકારી માટે ઔષધિય ગ્રીન ટી, એલસી, બીલીપત્ર વગેરે જેવા રોપા બનાવી મુલાકાતીઓને ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. શાળામાં નાના એવા બે ખેતર બનાવવમાં આવેલ છે તેમાં ગૌમૂત્ર અને ગૌ છાણ નો ઉપયોગ કરી પોષકતત્ત્વોથી ખેતરને ઓર્ગેનિક બનાવવામાં આવે છે. શાળા પ્લાસ્ટિક મુક્ત હોય, પ્લાસ્ટિકના પેકિંગમાં કોઈ ખાધ સામગ્રી કે અન્ય વસ્તુઓ લઈ આવવા પર મનાઈ છે. શાળામાં ઘન કચરાને એકત્રિત કરી, વર્ગીકૃત કરી ખાતર બનાવી, શાળાના બગીચામાં નાખવામાં આવે છે. મધુનાસીની, વિકરો, અરડૂસી, તુલસી, ઘાબાજીરિયું જેવી ઔષધીય વનસ્પતિનો દવા તરીકે ઉપયોગ કરવા લોકો શાળાએ આવે છે. આમ તમામ રીતે શાળાની ઓર્ગેનિક ફાર્મિંગની કામગીરી ઊડીને આંખે વળગે તેવી છે.