પોરબંદર જિલ્લામાં બાળકો માટે સમર યોગ કેમ્પનો શુભારંભ કરાયો


ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત કેમ્પમાં બાળકોને યોગ, પ્રાણાયામ, ધ્યાનની તાલીમની સાથે સંસ્કારોનું સિંચન કરાશે
પોરબંદર, તા. ૨૦ :
પોરબંદર જિલ્લામાં બાળકો માટે સમર યોગ કેમ્પનો શુભારંભ કરાયો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત કેમ્પમાં બાળકોને યોગ, પ્રાણાયામ, ધ્યાનની તાલીમની સાથે સંસ્કારોનું સિંચન કરાશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા આયોજીત સમર યોગ કેમ્પ ૭ થી ૧૫ વર્ષના બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન કરાયું છે. આજે તા. ૨૦ થી ૨૯ મે સુધી બાળકો માટે કેમ્પ યોજવામાં આવી રહ્યો છે. યોગનો અમૂલ્ય વારસો ગુજરાતના દરેક બાળક સુધી પહોંચે અને તેમનામાં નાની ઉંમરથી જ શારીરિક તથા માનસિક તંદુરસ્તી માટે જાગૃતતા કેળવાય તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા ‘સમર યોગ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમર યોગ કેમ્પ ગુજરાતના ૩૩ જિલ્લા અને ૮ મહાનગર પાલિકાઓમાં યોજાઇ રહ્યો છે. સમર યોગ કેમ્પમાં બાળકોને પ્રશિક્ષિત યોગ શિક્ષકો દ્વારા યોગ, પ્રાણાયામ, ધ્યાનની તાલીમ સાથે સંસ્કારોનું સિંચન કરવામાં આવશે, જે તેમના ઉજ્જવળ ભવિષ્યનો આધારસ્તંભ બનશે. પોરબંદર શહેરમાં આવેલ ડો. વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે સવારે ૭ વાગ્યે સમર યોગ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિસ્પાલ અને પોરબંદર જિલ્લા કોર્ડીનેટર જીવાભાઈ ખૂટીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગોઢાણીયા મહિલા કોલેજ, ચમ સ્કૂલ, આર્ય સમાજ તેમજ રાણાવાવ ખાતે બાળકો માટે સમર યોગ કેમ્પનો શુભારંભ થયો છે. જેમાં એક સ્થળે ૧૦૦ બાળકો લાભ લઇ રહ્યા છે, અને આ બાળકોને પૌષ્ટિક આહારનો નાસ્તો આપવામાં આવી રહ્યો છે. આ કેમ્પનું સંચાલક દાસા હર્ષા અરજનભાઈ, સહ સંચાલક મનીષાબેન પંડિત અને ભાવનાબેન બાદરશાહી કરી રહ્યા છે. ગોઢાણિયા કોલેજ ખાતે શુભારંભ સમયે ડો. સુરેશ ગાંધી, જાણીતા કેળવણી કાર ઈશ્વરભાઈ ભરડા, રેડક્રોસ સંસ્થાના ચેરમેન લાખણશીભાઈ ગોરાણીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
