પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની મુહીમને આગળ ધપાવવા એક્શન પ્લાન
પ્રાકૃતિક કૃષિની ખેડૂતોને તાલીમ આપવા ૨૯ ક્લસ્ટર બનાવાયા : એક ક્લસ્ટરમાં ૫ ગ્રામ પંચાયતને આવરી લેઇ તાલીમ અપાશે
૨૯ ફાર્મર માસ્ટર ટ્રેનર અને ૨૯ ટેકનિકલ માસ્ટર ટ્રેનર પ્રાકૃતિક કૃષિની જિલ્લાના ૧૪૮ ગામોમાં ૪ તબક્કામાં ૫૯૨ તાલીમો યોજી ૧૪૮૦૦ થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેનું ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડશે
પોરબંદર જિલ્લામાં આયોજનબદ્ધ રીતે પ્રાકૃતિક કૃષિની મુહિમ આગળ વધી રહી છે. જિલ્લામાં અલગ અલગ સ્થળોએ પ્રાકૃતિક ખેતી અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવા તાલીમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, અને છેલ્લા એક વર્ષમાં ૨૫, ૨૬૭ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી છે. પોરબંદરમાં આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી ડી.ડી. ત્રાડાના જણાવ્યા મુજબ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ વધુ સારી રીતે આપી શકાય તે માટે જિલ્લામાં ૨૯ ક્લસ્ટર બનાવાયા છે. એક ક્લસ્ટરમાં પાંચ ગ્રામ પંચાયતને આવરી લેવામાં આવે છે. જેમાં ૨૯ ફાર્મર માસ્ટર ટ્રેનર અને ૨૯ ટેકનિકલ માસ્ટર ટ્રેનર પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવા માટે તૈયાર કરાયા છે. કૃષિ યુનર્વિસટી અને કૃષિ વૈજ્ઞાનિક કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા ખાપટ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પ્રાકૃતિક કૃષિ અંગેની ઘનિષ્ઠ તાલીમો આપવામાં આવી છે. ફાર્મર માસ્ટર ટ્રેનર અને ટેકનિકલ માસ્ટર ટ્રેનરોએ પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી છે, અને હવે તેવો જિલ્લાના દરેક ગામોમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપશે. જિલ્લામાં જુદા જુદા તાલુકામાં પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવા માટે ૨૯ ક્લસ્ટર કાર્યરત કરાયા છે. અને ૨૯ ક્લસ્ટર કાર્યરત થવાથી પ્રાકૃતિક ખેતીની મુહિમ જિલ્લામાં તેજીથી આગળ વધશે. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા ગામડે ગામડે જઈ, વર્ષોથી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત એટલે કે, ફાર્મર માસ્ટર ટ્રેનર ખેડૂતોને પ્રાકૃતિક કૃષિથી પોતાને થયેલા લાભો, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે જાણકારી આપી પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડશે. ૨૯ ફાર્મર માસ્ટર ટ્રેનર અને ૨૯ ટેકનિકલ માસ્ટર ટ્રેનર પ્રાકૃતિક કૃષિની જિલ્લાના ૧૪૮ ગામોમાં ૪ તબક્કામાં ૫૯૨ તાલીમો યોજશે. અને ૧૪૮૦૦ થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેનું ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડશે.
આ સાથે ખેતીવાડી વિભાગ સાથે જોડાયેલા ગ્રામ સેવક, આત્મા પ્રોજેક્ટના બ્લોક ટેકનોલોજી મેનેજર, આસિસ્ટંટ ટેકનોલોજી મેનેજર, બાગાયત મદદનીશ, ખેતી મદદનીશ પણ પ્રાકૃતિક કૃષિ અંગેનું ટેકનિકલ જ્ઞાન ખેડૂતો સુધી પહોંચાડી રહ્યા છે.
પ્રાકૃતિક કૃષિની તાલીમમાં જરૂરી ડેમોસ્ટ્રેશન કરવાની સાથે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્તંભ એવા જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા અને સહજીવીપાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિ વિશે ખેડૂતોને વિગતવાર જાણકારી આપવામાં આવે છે.
૦૦૦૦૦