પોરબંદરના કુતિયાણા નજીક ચૌટા ગામના ખેડૂત એક દાયકાથી કરે છે ૧૨ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી
બોરડી, ડ્રેગન, આંબા, ચીકુ, પપૈયા, શરગવા સહિતના બાગાયતી પાકથી પુષ્કળ પ્રમાણમાં મેળવી રહ્યા છે ઉત્પાદન
ખોરાકમાં લેવાતા શાકભાજી અને અનાજનું ઉત્પાદન પ્રાકૃતિક ખેતીથી કરવા સૌ ખેડૂતોને અપીલ કરી
જાતે જીવામૃત તૈયાર કરી નહિવત ખર્ચથી એક વીઘે ૩૭ મણ મગફળીનું ઉત્પાદન મેળવ્યું : ખેડૂત ભાયાભાઇ મારૂ
૦૦૦૦
પોરબંદર, તા. ૧૯:
પોરબંદરના કુતિયાણા નજીક ચૌટા ગામના ખેડૂત એક દાયકાથી ૧૨ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે. બોરડી, ડ્રેગન, આંબા, ચીકુ, પપૈયા, શરગવા સહિતના બાગાયતી પાકથી પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન મેળવતા આ ખેડૂતે ખોરાકમાં લેવાતા શાકભાજી અને અનાજનું ઉત્પાદન પ્રાકૃતિક ખેતીથી કરવા સૌ ખેડૂતોને અપીલ કરી છે.
કુતિયાણાના ચૌટા ગામ ખાતે રહેતા ખેડૂત ભાયાભાઈ કાળાભાઈ મારુ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે હું છેલ્લા એક દાયકાથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. વગર ખર્ચે બાગાયતી પાકમાં પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન મેળવું છું. ત્રણ વિઘાના ડ્રેગન, બે વીઘાની બોરડી, બે વીઘાના આંબા, ચીકુ, લીંબુડી તેમજ પપૈયા, શરગવાનું બાગાયતી વાવેતર છે. ડ્રેગનના પાકમાં કોઈ પ્રકારનો રોગચાળો આવતો નથી. દરેક છોડને જીવામૃત આપું છું. જાતે તૈયાર કરે જીવામૃત દરેક છોડને આપતો હોવાથી કોઈ પ્રકારનો ખર્ચ થતો નથી. બાગાયતી ખેતીથી ખૂબ મોટી માત્રામાં આવક થાય છે. એક વીઘા બોરડીમાં ૩૦૦ મણ બોરની આવક થાય છે, અને અન્ય પાંચ વીઘા જમીનમાં કુટુંબ તથા ઘરમાં ખોરાક માટે શાકભાજી, મગફળી ઘઉં, કઠોળનું પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન મેળવવું છું. જે અમે સૌ કુટુંબો ખોરાકમાં લઈએ છીએ. રાજ્યપાલની પ્રેરણાથી હું પ્રાકૃતિક ખેતીમાં વધુ સક્રિય બન્યો છું. આ અંગે ભાયાભાઈ કાળાભાઈ મારુ એ અન્ય ખેડૂતોને એવી અપીલ કરી હતી કે આપણે સૌએ આપણા પરિવાર અને સગા સંબંધી કુટુંબોના ખોરાક માટે કઠોળ, શાકભાજીનું પ્રાકૃતિક ખેતીથી જ ઉત્પાદન કરવું જોઈએ. અને તેનો ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ. પ્રાકૃતિક ખેતીથી માત્ર નિંદામણ વગર અન્ય કોઈ પણ ખર્ચ કર્યા સિવાય મગફળીમાં એક વીઘે ૩૭ મણનું ઉત્પાદન મેળવી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. પોરબંદર આત્મા પ્રોજેક્ટના આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર અશ્વિનભાઈ મોરીના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટમાં જોડાઈ યોગ્ય તાલીમ લઈ જીવામૃત વગેરે તૈયાર કરી પાકને પૂરતા પ્રમાણમાં આપું છું. આમ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલ શાકભાજી કઠોળના કારણે શુદ્ધ અને સાત્વિક સારી ગુણવત્તા વાળો ખોરાક પ્રાપ્ત થાય છે. તેમજ પર્યાવરણને થતું નુકસાન પણ પ્રાકૃતિક ખેતીથી અટકે છે. જેથી સૌ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા ચૌટા ગામના ખેડૂત અગ્રણી ભાયાભાઈ કાળાભાઈ મારુએ અપીલ કરી હતી.