શ્રાવણ માસ પૂર્ણિમા નિમિત્તે યજ્ઞોપવિતધારણવિધિ સંપન્ન
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિવર્ષાનુસાર ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં તેમજ પોરબંદર શહેરથી આવેલા બ્રાહ્મણો, સાંદીપનિના ગુરુજનો અને ઋષિકુમારોની ઉપસ્થિતિમાં શ્રાવણ માસ પૂર્ણિમા નિમિત્તે તા.૧૯-૦૮-૨૪, સોમવારના રોજ શ્રાવણી ઉપાકર્મ નૂતન યજ્ઞોપવિતધારણવિધિ સંપન્ન કરવામાં આવી.

સાંદીપનિ વિદ્યાનિકેતન સંકુલના છાત્રાલયમાં સવારે ૮:૩૦ વાગ્યેથી પૂજ્ય ભાઇશ્રીની પાવન ઉપસ્થિતિમાં વૈદિક રિચ્યુલ ટીમ દ્વારા વેદોક્ત શાસ્ત્રોકત વિધિવિધાન સાથે હેમાદ્રિ સંકલ્પ પૂર્વક દશવિધિસ્નાનની વિધિ સંપન્ન કરવામાં આવી.

દશવિધિસ્નાન બાદ સંસ્કૃતના છાત્રો માટે તૈયાર થયેલ અદ્યતન નૂતન છાત્રાવાસમાં મધ્યાહ્ન સંધ્યાપૂર્વક દેવ-ઋષિ-મનુષ્ય તર્પણવિધિ સાથે નૂતન યજ્ઞોપવિતનું પૂજન કરીને ગાયત્રીમંત્રના જપ કરીને નૂતન યજ્ઞોપવિત ધારણવિધિ કરવામાં આવી તેમજ ગાયત્રીમંત્રનો હોમ કરીને આરતી સાથે વિધિની પૂર્ણાહુતિ કરવામાં આવી.

૩૦ ઋષિકુમારોના યજ્ઞોપવિત સંસ્કાર સંપન્ન થયા..
આજરોજ વિશેષ રૂપે સાંદીપનિ સંસ્કૃત પાઠશાળામાં વર્તમાન વર્ષમાં અભ્યાસ માટે આવેલા નૂતન છાત્રોમાંથી ૩૦ જેટલા ઋષિકુમારોના શાસ્ત્રોકત વિધિથી યજ્ઞોપવિતવિધિ સંસ્કાર કરવામાં આવ્યા. આ ઋષિકુમારોને પૂજ્ય ભાઇશ્રી દ્વારા મંત્રદીક્ષા આપવામાં આવી અને ઉપદેશ આપવામાં આવ્યો.
શ્રાવણી ઉપાકર્મના સમાપનમાં પૂજ્ય ભાઇશ્રી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા.
આ અવસરે પોરબંદર શહેરના અનેક ભૂદેવો પણ શ્રાવણી ઉપાકર્મની વિધિમાં જોડાયા હતા અને સૌ ભૂદેવોની ભોજનપ્રસાદની સંસ્થા દ્વારા કરવામાં આવી હતી.
