શ્રીહરિ મંદિરમાં શાલીગ્રામ ભગવાન સાથે માં તુલસીજીનો વિવાહોત્સવ વિધિપૂર્વક અને ખુબ ધામધુમથી ઉજવાયો.
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં રમેશભાઇ ઓઝા દ્વારા સ્થાપિત શ્રી હરિમંદિરમાં દેવઉઠી એકાદશીના પાવન દિવસે તુલસીજી માતાજીના વિવાહ શાલીગ્રામ ભગવાનનો વિવાહોત્સવ વિધિપૂર્વક અને ખુબ જ ધામધૂમથી સંપન્ન થયો.
શ્રીહરિમંદિરમાં સાયં આરતી બાદ વિશેષ રીતે સજાવેલા શણગારેલા લગ્નમંડપમાં કન્યાદાન વિધિ માટે કેશુભાઈ ગરેજા, અને સત્યનારાયણ મંદિર, પોરબંદરથી ભગવાન શાલિગ્રામને વરરાજા સ્વરુપે પધરાવી રાજભા જેઠવા શહેરના અનેક પરીવારોને સાથે લઈ વાજતે ગાજતે જાન જોડીને શ્રીહરિ મંદિરમાં પ્રાંગણમાં પધાર્યા હતા. જાનૈયાઓએ આનંદ ઉલ્લાસ સાથે ફટાકડાઓ ફોડી ભવ્ય આતશબાજી કરી હતી. ત્યારબાદ વરપક્ષ અને કન્યાપક્ષના લોકોની ઉપસ્થિતિમાં ઢોલ શરણાઈના નાદ સાથે જાનનુ સ્વાગત કરી લગ્નવિધિનો શુભારંભ કરવામાં આવ્યો. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક અને સામાજિક રીત-રીવાજ મુજબ લગ્નગીત સાથે ભગવાન શાલીગ્રામના માં તુલીસીજી સાથેના વિવાહ સંપન્ન થયા હતા. આ અવસરે ભગવાન શાલીગ્રામ અને માં તુલસીજીને અનેક વસ્ત્રો અને ઉપહારો પણ અર્પણ કરવામાં આવ્યા હતા
.
ભગવાન શાલીગ્રામ અને માં તુલસીજીનિ વિવાહવિધિના મનોરથી તરીકે ગૌરીબેન ગોયલે સેવા આપી હતી. જેના પ્રતિનિધિ સ્વરૂપ મનોરથી દ્વારા સંપૂર્ણ લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી.
આ મંગલ વિવાહોત્સવમાં સાંદીપનિના પરિવાર તેમજ પોરબંદર શહેરના ભક્તજનો અને ઋષિકુમારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભક્તિભાવપૂર્વક તુલસી વિવાહના દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી;; લગ્નવિધિ બાદ સૌ ભાવિકોએ ભોજનપ્રસાદી ગ્રહણ કરી હતી.