પોરબંદર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૫૪૧૮ લાભાર્થીએ વ્હાલી દીકરી યોજનાનો લાભ લીધો
પોરબંદરમાં ૩૯૦૨, રાણાવવામાં ૯૦૦ અને કુતિયાણામાં ૬૧૬ અરજદારોએ લાભ મેળવ્યો
દીકરીને પ્રથમ ધોરણમાં ૪૦૦૦, નવમાં ધોરણમાં ૬૦૦૦ અને ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે એક લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર છે
પોરબંદર, તા. ૨૭ :
પોરબંદર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૫૪૧૮ લાભાર્થીએ વ્હાલી દીકરી યોજનાનો લાભ લીધો છે. જિલ્લાની વાત કરવામાં આવે તો તાલુકા મુજબ પોરબંદરમાં ૩૯૦૨, રાણાવવામાં ૯૦૦ અને કુતિયાણામાં ૬૧૬ અરજદારોએ લાભ મેળવ્યો છે. આ યોજના અંતર્ગત દીકરીને પ્રથમ ધોરણમાં ૪૦૦૦, નવમાં ધોરણમાં ૬૦૦૦ અને ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે એક લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર છે.
રાજ્ય સરકાર દ્વારા દીકરીઓનું જન્મ પ્રમાણ વધારવા, દીકરીઓના શિક્ષણમાં વધારો કરવા, ડ્રોપઆઉટનો રેસીઓ ઘટાડવા ઉપરાંત દીકરીઓ – સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવાની સાથોસાથ બાળ લગ્ન અટકાવવાના ઉદેશથી વ્હાલી દિકરી યોજના કાર્યરત છે.
તારીખ ૨ ઓગસ્ટ ૨૦૧૯ કે તે પછી જન્મેલી દીકરીઓને વ્હાલી દિકરી યોજનાનો લાભ મળવાપાત્ર છે. દીકરીના જન્મથી એક વર્ષની અંદર અરજી કરવાની હોય છે. દંપતીના પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે. અપવાદ રૂપ કિસ્સામાં બીજી ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. વ્હાલી દીકરી યોજના જ્યારથી કાર્યરત થઈ ત્યારથી જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૫૪૧૮ લાભાર્થીએ વ્હાલી દીકરી યોજનાનો લાભ લીધો છે. અને પોરબંદરમાં ૩૯૦૨, રાણાવવામાં ૯૦૦ અને કુતિયાણામાં ૬૧૬ અરજદારોએ લાભ મેળવ્યો છે. દીકરીને પ્રથમ ધોરણમાં ૪૦૦૦, નવમાં ધોરણમાં ૬૦૦૦ અને ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે એક લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર છે. આમ આ યોજના અંતર્ગત કુલ રકમ ૧,૧૦, ૦૦૦ રૂપિયા મળવાપાત્ર હોવાનું જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત છેલ્લા ત્રણ મહિનાની વાત કરવામાં આવે તો ઓગસ્ટ મહિનામાં ૧૦૪ અરજદારોએ અરજી કરી હતી, અને સપ્ટેમ્બર મહિનામાં ૭૩ તેમજ ઓક્ટોબર મહિનામાં ૬૦ અરજદારોએ વ્હાલી દિકરી યોજનાનો લાભ લેવા માટે અરજી કરી હતી.
વ્હાલી દિકરી યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓએ ક્યાં અરજી કરવી
વ્હાલી દિકરી યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતિ પતિ પત્નીની સંયુક્ત વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન બે લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જોઈએ. આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મતા તરત આગળના ૩૧મી માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં લક્ષમાં લેવાની રહેશે. અને ફોર્મ નજીકની વી સી ઈ ગ્રામ પંચાયત, મામલતદાર કચેરી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી પોરબંદરમાં જમા કરાવવાનું રહેશે. અને વ્હાલી દિકરી યોજનાનું અરજીપત્રક આંગણવાડી, મામલતદાર કચેરી સહિતના સ્થળોએથી પણ વિનામૂલ્ય મળી રહેશે તેવું અધિકારી હંસાબેન ટાઢાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું.