કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોના પ્રિક્સ વર્સેઇલ્સ 2024માં વૈશ્વિક સ્તરે માન્યતા
ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ એક ગૌરવ સિદ્ધિ મળી
પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટરમાં આયોજિત સમારોહમાં એવોર્ડ અર્પણ થયો
સ્મૃતિવન મ્યુઝિયમને ઇન્ટિરિયર્સની શ્રેષ્ઠતા માટે એવોર્ડ પ્રાપ્તઃ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ એવોર્ડ સ્વીકાર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા અભિનંદન
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની વૈશ્વિક ગૌરવ સિદ્ધિમાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે.
કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વર્લ્ડ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું છે.
પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ GSDMAના CEO શ્રી અનુપમ આનંદ સાથે સ્વીકાર્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ માટે સ્મૃતિવનની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ (Prix Versailles) એવોર્ડ અંતર્ગત ભુજના આ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને 2024ના વર્ષની શરૂઆતમાં વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું હતું.
હવે, વૈશ્વિક મંચ પર સાંસ્કૃતિક સીમાચિહ્ન તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત કરીને પ્રિક્સ વર્સેલ્સ 2024 વર્લ્ડ ટાઇટલ મેળવીને સ્મૃતિવન મ્યુઝિયમે આ અંતિમ એવોર્ડ-સન્માન ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
આ પ્રિક્સ વર્સેલ્સ એ વૈશ્વિક આર્કિટેક્ચર અને ડિઝાઇન એવોર્ડ છે અને વિવિધ શ્રેણીઓમાં અસાધારણ સિદ્ધિઓ માટે એનાયત કરવામાં આવે છે. મ્યુઝિયમ, એરપોર્ટ, કેમ્પસ, પેસેન્જર સ્ટેશન, રમતગમત સુવિધાઓ, એમ્પોરિયમ, હોટેલ્સ અને રેસ્ટોરન્ટનો તેમાં સમાવેશ થાય છે.
ગુજરાતમાં 26 જાન્યુઆરી, 2001ના ગોઝારા ભૂકંપે જ્યારે કચ્છને ઘમરોળી નાખ્યું હતું, તે સમયે તેમાં જીવ ગુમાવનારા નાગરિકોના સ્મરણમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું નિર્માણ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી કરવામાં આવ્યું છે. 28 ઓગસ્ટ, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું.
સ્મૃતિવનનું આર્કિટેક્ચર ઐતિહાસિક ભુજિયો ડુંગર સાથે સુમેળભર્યું સંકલન કરે છે, તેમાં મુલાકાતીઓને આપત્તિની તૈયારી અને શક્તિ અંગે શિક્ષિત કરવા માટે રચાયેલી ઇમર્સિવ ગેલેરીઓ રાખવામાં આવી છે. મ્યુઝિયમની અનન્ય ડિઝાઇન અને હેતુ હવે આંતરરાષ્ટ્રીય મંચ પર સ્વીકૃત થયો છે, આ ગુજરાત અને ભારત બંનેનું વૈશ્વિક સ્તરે સન્માન છે.
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા, કચ્છ કલેક્ટર કચેરીની વહીવટી સહાયથી વિકસાવવામાં આવેલું સ્મૃતિવન કુશળતા અને વિઝનના સહિયારા પ્રયાસને પ્રતિબિંબિત કરે છે.
સ્મૃતિવન એ પડકારો સામે લડવાની કચ્છની ખુમારીની યશોગાથા છે, આપદા સામે અડીખમ રહેવાના ખમીરની કહાણી છે, રાખમાંથી ફરી બેઠા થવાની કિર્તીકથા છે, શૂન્યમાંથી સર્જનનું ચિત્ર રજૂ કરતો એક જીવંત દસ્તાવેજ છે.
વડાપ્રધાનશ્રીના વિઝનને અનુરૂપ નિર્માણ થયેલું સ્મૃતિવન ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં, વિશ્વના સૌથી વિશાળ મિયાંવાકી જંગલમાં 3 લાખ વૃક્ષો છે. ઉપરાંત ભૂકંપમાં મૃત્યુ પામેલે લોકોને શ્રદ્ધાંજલિરૂપે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી, અહીં નિર્માણ થયેલા 50 ચેકડેમની દીવાલો લગાવવામાં આવી છે.
આ ઉપરાંત સન પોઇન્ટ, 8 કિમી લંબાઇના ઓવરઓલ પાથવે, 1.2 કિમી આંતરિક રોડ, 1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, 3 હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ, 300થી વધુ વર્ષ જૂના કિલ્લાનું નવિનીકરણ, 3 લાખ વૃક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને 11,500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યુઝિયમનો સમાવેશ થાય છે.
2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે. 360 ડિગ્રી પર પ્રોજેક્શનની મદદથી 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરી શકાય છે.