“મહેરનો મણિયારો રાસ” અને “ભાતીગળ રાસડા” ને દિલ્હીમાં પ્રજાસત્તાક દિન ઉજવણી નિમિત્તે રજૂ કરાશે
આગામી 26 જાન્યુઆરીએ દેશના પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં યોજાશે, જ્યાં વિવિધ રાજ્યો તેમની અનોખી અને વૈવિધ્યસભર કલા, પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરશે. આ અવસરે ગુજરાત તરફથી મહેર સમાજ દ્વારા “મહેરનો મણિયારો રાસ” અને પ્રથમ વખત “ભાતીગળ રાસડા” રજૂ કરવામાં આવશે, જે ગુજરાતના લોકજીવનના રંગો અને પરંપરાના સમૃદ્ધ વારસાને સમગ્ર દેશ સમક્ષ રજૂ કરશે.
નિલેશભાઈ પરમાર અને મહેર રાસ મંડળના તેમજ સંગીત નાટક અકાદમી ના સંકલન હેઠળ, આ વિશિષ્ટ કાર્યક્રમ માટે ઉત્સાહપૂર્વક તૈયારીઓ કરી છે.
“મહેરનો મણિયારો રાસ” પહેલેથી જ વિશ્વપ્રસિદ્ધ છે અને હવે “ભાતીગળ રાસડા” પણ રાષ્ટ્રીય કક્ષાએ રજૂ થશે, જે માત્ર મહેર સમાજ જ નહીં, પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારશે.
આ રાસનું ખાસ આકર્ષણ એ છે કે મહેરની દીકરીઓ પ્રથમવાર ભાતીગળ રાસડા રજૂ કરશે, જે સ્ત્રીશક્તિ, પરંપરા અને નવીનતાનું સમન્વય હશે.
આ કાર્યક્રમની સફળતા માટે દરેક સભ્યએ ઉમંગભેર ભાગ લીધો છે.
મહેર સમાજ ની દીકરીઓ દ્વારા રાસડા ની પ્રસ્તુતિ ગુજરાતની સંસ્કૃતિ અને વારસાની ઓળખને વધુ મજબૂત બનાવશે અને દેશ-વિદેશમાં પોરબંદર અને ગુજરાત ગૌરવ વધારશે .