મુખ્યમંત્રીએ માધવપુરમાં માધવરાયજીના શ્રદ્ધાભેર દર્શન કરી, પુષ્પ અર્પણ કરીને દિવ્યતા-ધન્યતા અનુભવી



પોરબંદર તા.૬
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મેળાના શુભારંભ પૂર્વે માધવપુરના શ્રી માધવરાયજી મંદિર ખાતે ભગવાન શ્રી માધવરાયજીના દર્શન કરી, ભગવાનના શ્રી ચરણોમાં પુષ્પ અર્પણ કરી ધન્યતા, દિવ્યતા અનુભવી હતી.
માધવપુરમાં દર વર્ષે ચૈત્ર મહિનાની રામનવમીથી તેરસ સુધી પાંચ દિવસીય માધવપુરનો અલૌકિક લોકમેળો યોજવામાં આવે છે. મેળાના ઉદ્ઘાટન પૂર્વે મુખ્યમંત્રી શ્રી એ માધવરાયજીના મંદિરમાં ભગવાનના દર્શન કરી ગુજરાતના લોકોની સુખાકારી અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ભક્તજનોનું અભિવાદન જીલી રામનવમી તેમજ ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન ઉત્સવ પ્રસંગે સૌને શુભકામના પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે, માધવપુર સ્થિત શ્રી માધવરાયજીનું જૂનું મંદિર તેરમી સદીની કલાનો બેનમૂન નમૂનો છે. આ મંદિરની મૂળ પ્રતિમાઓ હાલના નવા મંદિરમાં બિરાજે છે. આ નવું મંદિર ઈ.સ.૧૮૪૦માં પોરબંદરના રાજમાતા રૂપાળીબાએ બંધાવી આપ્યું હતું. જેનો શિલાલેખ પણ મંદિરમાં રાખવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શ્રી માધવરાયજી મંદિર મુલાકાત,દર્શન વેળાએ પોરબંદર જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, ભગવાનજીભાઈ કરગઠીયા સહિત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.