એશિયાટીક લાયન કન્ઝર્વેશન સોસાયટીની પ્રથમ બેઠક યોજાઈ– સિંહ સંરક્ષણ માટે પ્રાથમિક મહત્વ અપાયું
(નિમેશ ગોંડલિયા)
આજ તા. 2 નવેમ્બર, 2025ના રોજ સવારે 10:30 કલાકે રાણાવાવ સ્થિત નિર્વાણધામ આશ્રમ ખાતે એશિયાટીક લાયન કન્ઝર્વેશન સોસાયટીની પ્રથમ બેઠક યોજાઈ હતી.
આ સંસ્થા “ગૌરવવંતા સિંહો – બરડા અભયારણ્ય – આજુબાજુના લોકો – વન વિભાગ પોરબંદર – અને ગુજરાત સરકાર” — આ પાંચેય તત્વોને જોડતી કડી તરીકે કાર્યરત છે. સંસ્થામાં કુલ મળીને આશરે 50 સભ્યોનો સમાવેશ થાય છે, જેમાં અનુભવી નિવૃત્ત વન અધિકારીઓ, કાયદા નિષ્ણાંતો, વાઇલ્ડલાઇફર, પક્ષીવિદો, નેચર લવર્સ અને વનવિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા .


સંસ્થાનો મુખ્ય હેતુ સિંહો અને તેમના આવાસનું સંરક્ષણ છે, તેમજ બરડા અભયારણ્યમાં ફરજ બજાવતા વન અધિકારીઓ અને સ્ટાફને કોઈપણ પ્રકારની ભય-ધમકી, દબાણ કે બ્લેકમેઇલિંગ વિના નિર્ભયતાથી સેવા આપી શકે તેવા અનુકૂળ માહોલનું નિર્માણ કરવાનું છે.
મીટીંગ દરમિયાન નીચેના અગત્યના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી
1️⃣ બરડા અભયારણ્યના 192.32 ચો.કિમી વિસ્તારને વધુ સુરક્ષિત બનાવવો.
2️⃣ ડીએફઓ અને ફિલ્ડ સ્ટાફની ખાલી જગ્યાઓ વહેલી તકે ભરવા રાજ્ય સરકારને રજૂઆત કરવી.
3️⃣ માલધારીઓને યોગ્ય વળતર આપી અભયારણ્યમાંથી સ્થળાંતર યોજના પર તાત્કાલિક નિર્ણય લેવો.
4️⃣ બરડા અને બોર્ડરના ગામોમાં સિંહ સંરક્ષણ અંગે લોકજાગૃતિ કાર્યક્રમો ચલાવવા તથા સરકારના સહયોગથી ગુડવિલ ઉભી કરવી.
5️⃣ સિંહો અથવા વન્યપ્રાણી દ્વારા માલઢોરના મારણના કિસ્સાઓમાં નિયમાનુસાર પૂરું વળતર તાત્કાલિક ચુકવાય તેની ખાતરી કરવી.
6️⃣ બરડા અભયારણ્યના ફિલ્ડ સ્ટાફ માટે પોરબંદર ખાતે ફેમીલી સાથે રહેવા યોગ્ય ટ્રાન્ઝીટ હોસ્ટેલની વ્યવસ્થા કરવી.
7️⃣ ફોરેસ્ટર/ગાર્ડ માટે જુનાગઢ ખાતે આધુનિક તાલીમ કેન્દ્ર શરૂ કરવું.
આ તમામ મુદ્દાઓ અંગે સંસ્થાએ સરકાર સમક્ષ વ્યવસ્થિત રજૂઆત કરવાની સંકલ્પના વ્યક્ત કરી છે.
બેઠકમાં રિટાયર્ડ મદદનીશ વન સંરક્ષક અને બરડા અભયારણ્યના અનુભવી મહાનુભાવ સ્વામીશ્રી પરમાત્માનંદજી ( પરબતજી ઓડેદરા)નું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું, જેના માટે સંસ્થાએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
એશિયાટીક લાયન કન્ઝર્વેશન સોસાયટી, રાણાવાવ
