33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું ‘ટાઈગર સ્ટેટ’

ગુજરાતના વન્યજીવન ઇતિહાસમાં મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે. રતનમહાલ વન્યજીવ અભ્યારણમાં વાઘની હાજરીની પુષ્ટિ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) ના પ્રારંભિક અભ્યાસ રિપોર્ટમાં કરવામાં આવી છે. આ રિપોર્ટ મુજબ દેશમાં વાઘની વસ્તી ગણતરીમાં ગુજરાતનો સમાવેશ થયો છે.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે NTCA તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પત્ર મળ્યો નથી, પરંતુ ગુજરાતમાં અભ્યાસ બાદ તૈયાર કરાયેલા પ્રાથમિક રિપોર્ટમાં રતનમહાલ અભ્યારણમાં વાઘની હાજરી અને ત્યાં યોગ્ય ઇકો-સિસ્ટમ હોવાની પુષ્ટિ કરાઈ છે. આ દરેક ગુજરાતીઓ માટે ગર્વની વાત છે.
તેમણે જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લે 1989માં વાઘની વસ્તી ગણતરી થઈ હતી. ત્યારબાદ 1992માં રાજ્ય ‘ટાઈગર સ્ટેટ’નો દરજ્જો ગુમાવ્યો હતો. વર્ષ 2019માં વાઘ દેખાયો હતો, પરંતુ તે થોડા સમય સુધી જ જીવિત રહ્યો. હવે ફરી એકવાર વાઘે ગુજરાતને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું છે.
રતનમહાલ વિસ્તારમાં વાઘ સૌપ્રથમ 22 ફેબ્રુઆરી 2025ના રોજ કેમેરા ટ્રેપમાં કેદ થયો હતો. ત્યારબાદ પગના નિશાન અને ફોટોગ્રાફિક પુરાવાના આધારે વાઘની હાજરીની પુષ્ટિ થઈ હતી.
વન વિભાગ દ્વારા વિસ્તારમાં પાણી, સુરક્ષા, આગ નિવારણ, શિકાર પ્રાણીઓની ઉપલબ્ધતા સહિતના પગલાં લેવામાં આવી રહ્યા છે. કેમેરા ટ્રેપની સંખ્યા વધારવામાં આવી છે અને ચિતલ, સાંબર જેવા શિકાર પ્રાણીઓ પણ છોડવામાં આવ્યા છે. વાઘની વસ્તી વધે તે માટે ભવિષ્યમાં માદા વાઘ લાવવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. ઉપરાંત રતનમહાલ અભ્યારણને ‘ટાઈગર રિઝર્વ’ જાહેર કરવા દિશામાં કામગીરી હાથ ધરાઈ છે.
અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાત માટે આ ગૌરવની ક્ષણ છે, કારણ કે હવે ગુજરાત એવું રાજ્ય બન્યું છે જ્યાં સિંહ, વાઘ અને દીપડો — ત્રણેય મોટી બિલાડી પ્રજાતિઓ એકસાથે હાજર છે. રાજ્ય સરકાર વન સંપદા અને વન્યજીવનના સંરક્ષણ અને સંવર્ધન માટે સતત કાર્યરત છે.
