ભાદરવા વદ સાતમ. એટલે નાથાલાલ જોશી એટલે કે પૂજ્ય ભાઈનો જન્મ દિવસ.નાથાલાલ જોશી ( પૂ.ભાઈ ) એક દૈવી માનવ ….લેખક વિવેક ટાંક
આજે ભાદરવા વદ સાતમ. એટલે નાથાલાલ જોશી એટલે કે પૂજ્ય ભાઈનો જન્મ દિવસ.
પૂ.ભાઈ વિષે કદાચ બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે કારણ કે આજીવન તે પ્રસિદ્ધિથી દૂર રહેલ. તેમના જીવનકાળ માં અનેક ડોક્ટર્સ, કવિ, લેખકો, પત્રકારો, બુદ્ધિજીવીઓ તેમને મળેલા. પણ પોતાના વિશે પ્રચાર ન કરવાની સ્પષ્ટ સૂચના. એટલે આપણી સામે જ અવતાર આવીને ગયા પણ આપણને જાણ ન થઈ. 2013માં નવનીત સમર્પણએ પૂ.ભાઈ પર વિષેશાંક પણ કરેલો
ઈ. સ. 1920 માં જૂનાગઢમાં પૂ.ભાઈનો જન્મ થયેલ અને 1946 આસપાસ ગોંડલ સ્થળાંતર થયા અને આજીવન ગોંડલમાં પોતાના નિવાસસ્થાન “શ્રુતિ” માં રહીને તેઓએ અનેક આધ્યાત્મિક ખોજવાળા ( Spiritual Seeker )લોકોને ઊર્ધ્વગામી બનાવ્યા છે અને લોકોને આધ્યાત્મિક જ્ઞાન પ્રદાન કર્યું.
ઈ.સ. ૨૦૧૩ માં તેઓએ પોતાનો સ્થૂળ દેહ છોડેલ.
તેમના વિશે લખવું એટલે અનંત બ્રહ્માંડને એક કણમાં લખવું, અનંત મહાસાગરને ખોબામાં લઈને વર્ણવવો. છતાં તેમના વિશે થોડી વાત લખું છું.
કોઈ કહે છે કે એ જ રામકૃષ્ણ પરમહંસના અવતાર હતા, કોઈ કહે કે એ રામ અને કૃષ્ણનો જ અવતાર હતા….
ખરા આધ્યાત્મિક વ્યક્તિ અને ગુરુની શોધમાં અને શાસ્ત્રોમાં જ્યારે હું ગૂંચવાઈ ગયેલો. ત્યારે પૂ.ભાઈના જ શબ્દોએ મારી દ્વિધા દૂર કરેલ. એક એક વાત સ્પષ્ટ કરી.
એક ઊંચા દરજ્જાનાં સાધકે મને કહેલ કે “આધ્યાત્મિક યાત્રાની ચરમસીમા અહી ગોંડલમાં પૂ.ભાઈ રૂપે છે “
જેમ બંગાળમાં રામકૃષ્ણ પરમહંસ અને ચૈતન્ય મહાપ્રભુ થયા એવા જ ગોંડલમાં પૂ. ભાઈ ( નાથાલાલ જોશી ) થયા એમ કહું તો કોઈ જ અતિશયોક્તિ નહિ થાય.
પૂ.ભાઈને તેમના જીવનકાળમાં અનેક વિદ્વાનો, સાહિત્યકારો, કવિઓ, ડોકટરો, બુદ્ધિજીવીઓ, સાધકો મળેલા અને બધા તેમનાથી ખુબ પ્રભાવિત થયેલા. અને અધ્યાત્મિક સફર પર આગળ વધેલા. પણ પૂ.ભાઈની એક શરત હતી કે “મારા જીવતા જીવ, મારા વિષે કોઈએ કઈ લખવું નહિ, મારા વિષે કોઈ પ્રચાર કરવો નહિ, જેને ખરેખર આધ્યાત્મની ઝંખના હશે તે અહી આવી જ ચડશે”. જેમ ફૂલ ઉગે એટલે ભમરા આવી પડે એમ આધ્યાત્મના ખોજનારા ભાઈ સુધી પહોંચી જતા….
આથી ૨૦૧૩ સુધી, તેમના જીવતા જીવ કોઈ જગ્યાએ તેનો પ્રચાર પ્રસાર જોવા નહિ મળે. તેઓ હમેશા પ્રચાર પ્રસાર પદ પ્રતિષ્ઠાથી દૂર જ રહ્યા છે. તેઓએ કદી મોટા સમૂહને જાહેરમાં સંબોધન પણ નથી કર્યું…
તેમની વાત એટલી સરળ હતી કે કોઈને લાગે જ નહિ કે આધ્યાત્મિકતા આટલી હળવીફૂલ હોઈ શકે.
પૂ.ભાઈ મકરંદ દવેના આધ્યાત્મિક ગુરુ હતા. આમ તો પૂ.ભાઈએ પોતે કોઈના ગુરુ છે એવું કદી કહ્યું નથી, પણ પોતે આધ્યાત્મિક બંધુ છે તેવું જ કહેતા.
◆ પૂ. ભાઈ અને કવિ મકરંદ દવે –
કવિ મકરંદ દવે કેવી રીતે ગોંડલ આવ્યા ? અને ભાઈની સાચી ઓળખ કેવી રીતે થઇ ? તેમની અનેક પરીક્ષા કરીને પૂ. ભાઈનો ડીવીનીટી તરીકે કેવી રીતે સ્વીકાર્યા તે અદભૂત વાત છે…એ ઘટના દ્વારા આધ્યાત્મિક ખોજ કરનાર લોકોને પૂ.ભાઈ વિષેની એક ઝલક મળી શકે એ માટે એ પ્રસંગ અહી પ્રસ્તુત કરું છું.
◆૧૯૫૦ ની આસપાસની વાત છે. મકરંદ દવે રાજકોટમાં નવા શરુ થયેલ “જયહિન્દ” વર્તમાનપત્રમાં કામ કરતા હતા. બાબુભાઈ શાહે આ “જયહિન્દ” વર્તમાનપત્ર શરુ કરેલ. બાબુભાઈ શાહે, જયહિન્દ નાં તંત્રી તરીકે બાબુભાઈ વૈદ્યની નિમણૂક કરેલ. આ બાબુભાઈ વૈદ્ય એટલે મકરંદ દવેનાં બનેવી. આથી મકરંદ દવેને તેઓએ ઉપ-તંત્રી બનાવીને ઘણી જવાબદારીઓ સોંપેલ.
◆હરિબોલ નો વિસ્ફોટ –
આ જ અરસામાં વિચિત્ર ઘટના બની. રાત્રે બે-ત્રણ વાગ્યે છાપકામ પૂરું કરીને મકરંદ ભાઈ ઘેર આવ્યા. અને સુતા ત્યાં જ તેની નાભી માંથી નાદ ઉઠ્યો “હરિ બોલ, હરિ બોલ”. જાણે મનમાં કોઈ ધૂન ચડી હોય એવું લાગતું હતું. અવાજને દાબી દેવા નાભી નીચે ઓશીકું મુક્યું પણ અવાજ દબાયો નહિ. તેઓ કઈ સમજી શક્યા નહિ કે આ શું થાય છે ? જાણે નર્વસ બ્રેક ડાઉન થઇ ગયા હોય એમ લાગવા લાગ્યું…આવું ત્રણ દિવસ ચાલ્યું…એક દિવસ આજ નાદે કહ્યું કે “ગોંડલ જા”
મકરંદ દવે મૂંઝાઈ ગયા. તેણે મનોમન કહ્યું કે “ઉપ-તંત્રી તરીકેની આટલી જવાબદારી અને કામ છોડીને ગોંડલ કેવી રીતે જવું ? આ તો તંત્રી સાથે દ્રોહ કેવાય. બાબુભાઈએ મારા પર મદાર રાખીને આ વર્તમાનપત્ર કાઢ્યું છે તેને દગો નહિ દઉં”
ત્યાં એક દિવસ એવું થયું કે બાબુભાઈ વૈદ્યએ લખેલા એક તંત્રી લેખ બાબતે તેના માલિક બાબુભાઈ શાહને મતભેદ થયો અને અંતે તેણે બાબુભાઈ વૈદ્યને જયહિન્દ માંથી છૂટા કર્યા. માલિકે તંત્રીને આ રીતે છૂટા કરીને અન્યાય કર્યો છેએવું લાગતા, તેના વિરોધમાં તંત્રી મંડળ સ્ટાફે પણ રાજીનામાં આપી દીધા. આમ મકરંદ ભાઈની નોકરી છૂટી ગઈ અને જવાબદારી પણ. હવે ગોંડલ જવાનો માર્ગ સાફ થઈગયો હતો. આ રીતે આ ઘટના તેમના માટે ગોંડલ જવા નિમિત્ત બની.
હવે રાજકોટમાં કોઈ કામ ન હોવાથી તેઓ ગોંડલ પોતાના ઘરે ગયા. પણ હવે તો “હરિ બોલ” નો નાદ સર્વોપરી થઇ રહ્યો હતો. મકરંદ દવે બુદ્ધિવાદી અને તર્કનિષ્ઠ માણસ હતા આથી તે આ અવાજને પોતાની માનસિક ભ્રમણા જ સમજતા હતા…મકરંદ દવેની હાલત દિવસે દિવસે અસહ્ય થવા લાગી હતી. જેમ ચૈતન્મ મહાપ્રભુ “કૃષ્ણ, કૃષ્ણ” કરીને ઝૂરતા એવું જ કૈક થવા લાગ્યું. કૃષ્ણ કૃષ્ણ કહીને ભીંતમાં માથા પછાડે, છો પર માથું ઘસે, કઈ ખાવુ-પીવું ના ભાવે, ના કોઈ કામ ગમે, આંખોમાંથી અવિરત આંસુ વહ્યા કરે અને અચાનક નાચવા માંડે. બસ “હરિ બોલ, હરિ બોલ કે કૃષ્ણ કૃષ્ણ” ચાલે. આવી વિરહની આધ્યાત્મિક ઉન્માદ અવસ્થા….
આ જોઈને ઘરના બધા પણ ખુબ ચિંતિત રહેતા.
મકરંદભાઈને થયું કે પોતાને આ જે કઈ થાય છે તે વિષે જુનાગઢ –ગીરનાર જઈને કોઈ સિદ્ધયોગીને જઈને મળીને તેને આ વિષે પૂછું તો તે કૈક સમજાવી શકશે. આમ તેઓએ જુનાગઢ જવાની તૈયારી શરુ કરવા માંડી.
બીજા જ દિવસે મકરંદ ભાઈનાં મિત્ર ગુણવંતભાઈ ઠાકર તેમને મળવા આવ્યા અને મકરંદભાઈને કહ્યું “તમારી આ સ્થિતિનું નિરાકરણ લાવી શકે એ માટે તારે જુનાગઢ જવાની જરૂર નથી. જુનાગઢની જ એક આધ્યાત્મિક વ્યક્તિ અહી ગોંડલ આવી છે. મકરંદ ભાઈ એકદમ જ ચમકી ઉઠ્યા..
મકરંદભાઈએ પૂછ્યું એ વળી કોણ ? ત્યારે ગુણવંતભાઈએ કહ્યું “નાથાલાલ જોશી”
આ વખતે પૂ.ભાઈ (“નાથાલાલ જોશી”) ગોંડલમાં વેરી દરવાજા પાસે લાલાપારેખની શેરીમાં રહેતા હતા. ગુણવંતભાઈ, મકરંદભાઈને લઈને પૂ.ભાઈ ના ઘરે જવાના રવાના થયા. પૂ.ભાઈએ મકરંદ દવે આવવાના છે તેની જાણે પોતાને પહેલેથી જ જાણ હોય તેમ, મેડી પર બેઠેલા પૂ.ભાઈએ એકદમ કાઠિયાવાડી લહેકામાં કોઈને કહ્યું કે “નીચે જા, ડેલી ઉઘાડ, ડેલીએ આપણુ ઘરાક આવ્યું છે”
ગુણવંતભાઈએ પૂ.ભાઈને મકરંદભાઈનો પરિચય આપ્યો. પછી મકરંદ ભાઈએ કહ્યું કે “મને એક પ્રશ્ન બહુ મૂંઝવે છે, તમે એનું નિરાકરણ કરી શકો ? હું એ માટે જ આપની પાસે આવ્યો છું ”
પૂ.ભાઈએ કહ્યું આજે તો ઘણા લોકો છે. એક કામ કરો, આવતીકાલે સવારે નવ વાગ્યે તમે એકલા આવજો.
બીજા દિવસે નવ વાગ્યે મકરંદભાઈ પૂ.ભાઈને મળવા પહોંચી ગયા. પૂ.ભાઈ તેમને મેડી પર ઉપરના રૂમમાં લઇ ગયા અને સાંકળ બંધ કરી દીધી. હજુ મકરંદભાઈ વાત કહેવા જતા હતા ત્યાં જ પૂ.ભાઈએ તેમને રોક્યા અને કહ્યું “તમે કશું નાં બોલતા, હું કહું એ સાંભળો. તમને હરિબોલનો જે નાદ સંભળાય છે તે તમારી માનસિક ભ્રમણા કે કલ્પના નથી. તમારા પર ઈશ્વરનો અનુગ્રહ થયો છે. તમે તેનો સ્વીકાર કરો. તમારા જીવનની દિશા બદલાઈ છે”
પછી તો પૂ.ભાઈએ “હરિબોલ” નાં વિસ્ફોટથી માંડીને અત્યાર સુધી મકરંદ ભાઈ સાથે શું શું બન્યું છે બધું જ કહી દીધું. આ બધું સાંભળીને મકરંદભાઈ તો ચકિત થઇ ગયા. જે વાત, જે અનુભૂતિ માત્ર પોતાને જ થતી હતી તે આ માણસ કેવી રીતે જાણે ??? ( સ્વામી વિવેકાનંદ જ્યારે દક્ષિણેશ્વરમાં રામકૃષ્ણ પરમહંસને પ્રથમવાર મળ્યા હતા અને રામકૃષ્ણ વિવેકાનંદનો હાથ પકડીને બાજુની ઓસરીમાં લઇ ગયા હતા અને જાણે પહેલેથી જ તેને ઓળખાતા હોય તે રીતે વાતો કરી હતી, તેવું જ કૈક અહી છે )
પૂ,ભાઈએ મકરંદદવેને કહ્યું કે “તમે આધ્યાત્મિક જીવનનો સ્વીકાર કરો અને બધું ભગવાનને સોંપી દો”
આ ઘટના પછી મકરંદભાઈ પૂ.ભાઈ પાસે રેગ્યુલર આવવા મળ્યા. પણ પોતે તર્કવાદી માણસ હતા. આથી તેઓએ પૂ.ભાઈની એનેક રીતે કસોટી કરેલી ( જેમ કૃષ્ણપરમહંસની કસોટી સ્વામી વિવેકાનંદે કરેલી તેમ જ ) પણ અંતે પૂ.ભાઈની વિનમ્રતા, આધ્યાત્મિક ઉચ્ચ અવસ્થા, સરળતા, નીરભીમાનીતા અને અનુભૂતિનું ઊંડાણ જોઇને તેમણે પૂ.ભાઈની ડીવીનીટીનો સ્વીકાર કર્યો.
આ પછીતો મકરંદ દવેને પૂ.ભાઈનાં સાનિધ્યમાં અનેક રહસ્યમય આધ્યાત્મિક અનુભવો થયા છે. પણ મોટાભાગના અનુભવો તેમણે ગુપ્ત રાખેલ છે. કદાચ પોતાની પર્સનલ ડાયરીમાં તેણે બધા પ્રસંગો લખી રાખ્યા છે. એક બે જગ્યાએ બુકમાં તેમણે કેટલાક રહસ્યમયી પ્રસંગોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે “તર્કવાદી, માત્ર બુદ્ધિથી દુનિયાને જોનારા માણસને મારી વાતથી કદાચ ઠેસ પહોંચે પણ જે થયું છે તે હકીકત છે”
આમતો પૂ.ભાઈની સ્પષ્ટ સુચના હતી કે પોતાના વિષે કઈ લેખ કે પુસ્તક લખવું નહિ આમ છતાં મકરંદદવે એ અન્ય ગુપ્ત નામ સાથે “યોગી હરનાથનાં સાનિધ્યમાં” એવું એક પુસ્તક લખેલું. આ પુસ્તક વાંચીને અનેક સાધકો યોગી હરનાથને શોધતા શોધતા પૂ.ભાઈ સુધી પહોંચેલા….
◆શક્તિપાત –
મકરંદદવે એ શક્તિપાત વિષે મિત્રોને પોતાના મોઢે વાત કહેલી..
તેમણે કહ્યું કે “ એક વાર મેં પૂ.ભાઈને કહ્યું કે હું શક્તિપાતમાં માનતો નથી. એ તો વ્યક્તિએ પોતાને પ્રગટ કરવી જોઈએ”
પૂ.ભાઈ એ કહ્યું “ એવી શક્તિ છે. એ શક્ય છે. ભગવત-શક્તિ દ્વારા એ ઉત્પન્ન થઇ શકે”
મેં નાં પાડી કે આવું નાં થઇ શકે. ત્યાર બાદ પૂ.ભાઈ ઉઠીને મારી પાસે આવ્યા. મારા માથા પર હાથ મુક્યો. મેં એની આંખમાં ચમકારો જોયો. હું જ્યારે ઘરે આવ્યો તો રહસ્યમય અનુભવ થયો. મારી સ્થિતિ જ ફરી ગઈ. સમુદ્ર જેવો ઘૂઘવતો અવાજ મને સંભળાવા લાગ્યો. જાણે મારા પર પ્રકાશનો દરિયો ફરી વળ્યો ને હું તેમાં ડૂબી ગયો. નક્કર જગત સાવ લોપ થઇ ગયું. બધે જ ઈશ્વર જ દેખાય. ખાવા બેસું તો કોળીયો મોઢા માં જ રહી જાય. બજારે નીકળું ને વાહન આવતું હોય તો પણ હું ખાસું નહિ. જાણે સામે ભગવાન જ આવી રહ્યા છે. કઈ કામકાજ થાય નહિ. સમગ્ર જીવનવ્યવહાર ખોરવાઈ ગયો. મને આ શું થઇ ગયું તે ખબર જ નાં પડી…
હું પાછો નાથાભાઈ પાસે ગયો. કહ્યું કે “તમે મને આ શું કર્યું ? જે હોય તે પાછું લઇ લો”
નાથાભાઈએ પોતાના પત્ની રમાબેનને બૂમ પાડી કે “રસોડામાં કઈ ખાવાનું હોય તો લાવજો” અને નાથાભાઈએ મને દહીં અને પૂરી ખવડાવ્યા. અને પછી બધું શમી ગયું…
આ પછી તો બંને વચ્ચે માત્ર ગુરુ-શિષ્ય જેવા જ સબંધ નહિ પણ આધ્યાત્મિક બંધુ જેવા સબંધો જળવાઈ રહેલા…( સ્વામી વિવેકાનંદને પણ રામકૃષ્ણ દ્વારા આવો જ એક અનુભવ થયેલ )
( આ તો માત્ર એક વ્યક્તિની વાત થઇ, આવી તો અસંખ્ય વાતો છે. અસંખ્ય બૌદ્ધિક લોકોએ પૂ.ભાઈ સાથે જે સંવાદ થયો હોય તે ડાયરીમાં જેતે સમયે લખી રાખેલ. અને હવે તે પુસ્તકો રૂપે પબ્લિશ કરેલ છે. આ વાંચનથી ખોજી લોકોના તમામ સવાલોના જવાબો મળી શકે છે. )
પૂ.ભાઈના ચરણોમાં વંદન.
~ વિવેક ટાંક