સાહિત્ય અકાદમી અને નવરંગ સંસ્થા દ્વારા કવિ સંમેલન યોજાયું

◆◆◆◆◆◆◆◆◆
કલેકટર સહિત સાહિત્ય પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
◆◆◆◆◆◆◆◆◆
મુશાયરામાં ગુજરાતના દિગજ્જ કવિઓ મન મુકીને વરસ્યા
રવિવારની ઢળતી સાંજે પોરબંદર એમ.ઇ.એમ સ્કૂલના ગ્રાઉન્ડમાં ભવ્ય કવિ સંમેલન યોજાયું હતું. કવિ બોટાદકરની 153મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “જનનીની જોડ સખી” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર કે.ડી.લાખાણી, નાયબ કલેકટર સંદીપ જાદવ, નાયબ કલેકટર સંજયસિંહ અસવાર, ઇતિહાસવિદ નરોત્તમ પલાણ, ડો. સુરેશભાઈ ગાંધી, ડો. સુરેખાબેન શાહ, ડો. ભરતભાઈ ગઢવી, ભીમભાઈ સુંડાવદરા સહિત પોરબંદરના સાહિત્ય રસિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મુશાયરાની મોજ માણી હતી.
■ કવિ સંમેલન:
આ કવિ સંમેલનમાં ભાવનગરના જાણીતા કવિ વિનોદ જોશી, કવિયત્રી નેહા પુરોહિત ભાવનગર, કવિ ભરત વિંઝુડા સાવરકુંડલા, કવિ સ્નેહલ જોશી પોરબંદર, કવિ રાકેશ હાંસલીયા રાજકોટ, કવિ આનંદ ગઢવી બોટાદ અને કવિ સુનિલ ભીમાણી વગેરે કવિઓએ એક પછી એક સુંદર રચનાઓ રજૂ કરી ઉપસ્થિત કલા પ્રેમીઓને મુશાયરામાં રસતરબોળ કર્યા હતા.
■ બાલ કવિએ કર્યું કવિતા પઠન
જુદા જુદા કવિઓની રચનાઓ પઠન કરતા બાલ કવિ દર્શિલ ગોરાણીયાએ કવિ રમેશ પારેખ અને કવિ મુકેશ જોશીની રચનાનું જોરદાર શૈલીમાં પઠન કરી આ મુશાયરાને વિધિવત રીતે શરૂ કરાવતાં ઉપસ્થિત સૌએ તાળીઓના ગળગળાટથી આ નાનકળા બાલ કવિને વધાવી લીધો હતો.
■ કાવ્યસંગ્રહનું વિમોચન અને વ્યાખ્યાન:
પોરબંદરના જાણીતા કવિ સ્નેહલ જોશી દ્વારા લિખિત 70 ગઝલ, 24 ગીત અને 13 સોનેટ સાથે તૈયાર કરવામાં આવેલ કાવ્ય સંગ્રહ “વમળ વચ્ચે”નું ગુજરાતના સિનિયર કવિ વિનોદ જોશીના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કવિ બોટાદકરની જન્મ જ્યંતી નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં બોટાદથી ખાસ ઉપસ્થિત રહેલા ડો. આનંદ ગઢવીએ કવિ બોટાડકરના જીવન ઉપર માહિતી સભર વ્યાખ્યાન આપ્યું હતું.
પોરબંદર કલા અને સાહિત્યમાં ખૂબ રસ ધરાવતું શહેર છે અને આ ભૂમિમાં અનેક પ્રકારની કલાઓ ધરબાયેલી પડી છે ત્યારે આ દરેક કલાઓને ઉજાગર કરવા અને કલા સર્જકોને યોગ્ય સ્ટેઝ આપવા માટે ગત વર્ષથી નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થાની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે આયોજીત આ કવિ સંમેલનને સફળ બનાવવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણશી ગોરાણીયા, મંત્રી સ્નેહલ જોશી, સંયોજક લાખણશી આગઠ, સહ સંયોજક જય પંડ્યા, જલ્પાબેન લાખાણી અને નવરંગની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન રિદ્ધિબેન ગોકાણીએ અને આભાર વિધિ પૂજાબેન રાજાએ કરી હતી
