નવરંગ સંસ્થા દ્વારા માતૃભાષા મહોત્સવ ઉજવાયો : પોરબંદરના સાગર કિનારે કવિઓ મન મુકીને વરસ્યા

વિશ્વભરમાં 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે અંતર્ગત પોરબંદરમાં પણ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, જિલ્લા રોજગાર કચેરી પોરબંદર અને નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે ગાંધી સ્મૃતિ ભવન ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત સાહિત્ય ગોષ્ઠિ અને મુશાયરાનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.

■ માતૃભાષા દિવસનો ઇતિહાસ :
21મી ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વ પોતાની માતૃભાષા દિવસની ઉજવણી કરે છે અને આ દિવસ ઉજવવાનો સૌથી પહેલો વિચાર બાંગ્લાદેશમાંથી આવ્યો હતો. યુનેસ્કોના સંમેલનમાં 17/11/1999ના દિવસે આયોજિત આ સંમેલનમાં માતૃભાષા દિવસ ઉજવવાની ઘોષણા કરવામાં આવી હતી. 1952માં તત્કાલિન પૂર્વ પાકિસ્તાનની રાજ્યભાષામાંની એક ભાષા બાંગ્લા હતી તેથી ભાષા પ્રેમીઓ દ્વારા બાંગ્લાને રાજ્યભાષાઓમાંની એક ભાષા બનાવવાની માંગણી સાથે રેલીનું આયોજન કર્યું હતું. ત્યારે પોલીસ દ્વારા આ રેલી ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારથી બાંગ્લાદેશમાં 21 ફેબ્રુઆરીને શહીદ દિવસ તરીકે ઉજવી માતૃભાષા અને સંસ્કૃતિ માટે પ્રેમ અને આદરના ભાવ સાથે મનાવવામાં આવતો. 1956માં પાકિસ્તાનના બંધારણમાં બંગાળી અને ઉર્દુને પાકિસ્તાની રાજ્યભાષા તરીકે જાહેર કરવામાં આવી હતી. 1972માં બાંગ્લાદેશના બંધારણમાં જાહેર કરવામાં આવ્યું કે પ્રજાસત્તાક બાંગ્લાદેશની ભાષા બંગાળી હશે અને ત્યારથી યુનેસ્કોએ મંજૂરી આપી કે 21મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે. આમ સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલ મુજબ હાલ અંદાજે 6900 જેટલી ભાષાઓ અસ્તિત્વમાં છે જેમાંથી ભારતમાં 1650 કરતા પણ વધારે ભાષાઓ ઉપયોગમાં લેવામાં આવે છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં નવરંગ સંસ્થાના પ્રમુખ લાખણશી ગોરાણિયાએ જણાવ્યું હતું કે આજે લોકો દિનપ્રતિદિન માતૃભાષાથી વિમુખ થતા જાય છે જે આપણા સૌ માટે ચિંતાનો વિષય છે, આવા સમયે પોરબંદરમાં નવરંગ જેવી સંસ્થા ગુજરાતી ભાષા અને સાહિત્ય તથા દરેક કલાના જતન માટે યોગદાન આપી રહી છે, ત્યારે સમગ્ર પોરબંદરવાસીઓનો સહકાર ઈચ્છનિય છે.

■ સાહિત્ય ગોષ્ઠિ અને મુશાયરો :
માતૃભાષા મહોત્સવ અંતર્ગત યોજાયેલ સાહિત્ય ગોષ્ઠિમાં ડો. સ્નેહલ જોશી અને રિદ્ધિબેન ગોકાણીએ માતૃભાષા અને તેના ઇતિહાસ વિશે ખૂબ ઊંડાણ પૂર્વક માહિતી રજૂ કરી હતી, ત્યાર બાદ કવિ સંમેલનમાં બરોડાથી ખાસ ઉપસ્થિત કવિ ભરત ભટ્ટ “પવન” આ ઉપરાંત લાખણશી આગઠ, જય પંડ્યા અને શુભમ સામાણી વગેરેએ પોતાની ઉત્તમ રચનાઓ રજૂ કરી માતૃભાષાને લાડલડાવતા શબ્દપુષ્પો અર્પણ કર્યા હતા.

■ બાલ કવિએ કર્યું કવિતા પઠન :
બાળ કવિ દર્શિલ ગોરાણીયાએ જુદા જુદા કવિઓની રચનાઓનું પોતાની આકર્ષક શૈલીમાં પઠન કરી મુશાયરાને વિધિવત રીતે શરૂ કરાવતાં ઉપસ્થિત સૌ સાહિત્ય રશીકોએ તાળીઓના ગળગળાટથી આ નાનકળા બાલ કવિને વધાવી લીધો હતો.

આ માતૃભાષા મહોત્સવ કાર્યક્રમમાં પોરબંદરના સૌ કલા અને સાહિત્ય રસિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાહિત્ય ગોષ્ઠિ અને મુશાયરાની મોજ માણી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણશી ગોરાણીયા, સેક્રેટરી સ્નેહલ જોશી, સંયોજક લાખણશી આગઠ, ડો. મિત બાપોદરા, કિશન દાવડા તથા નવરંગ સંસ્થાની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વીબેન ભટ્ટે અને આભારવિધિ નૂતનબેન જલુએ કરી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!