રેડક્રોસ દ્વારા થેલેસેમિયા બાળકોના બોડી પ્રોફાઈલ ટેસ્ટ કરાયા
24 પ્રકારના લેબ ટેસ્ટ માટે બે લાખનો ખર્ચ રેડક્રોસે ભોગવ્યો
વિશ્વની સૌથી મોટી માનવતાની સંસ્થા રેડક્રોસ સોસાયટીની પોરબંદર જિલ્લા શાખા દ્વારા વિવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેના અનુસંધાને રેડક્રોસ દ્વારા પોરબંદરના થેલેસેમિયા મેજર બાળકોના વિવિધ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
પોરબંદર રેડક્રોસ સોસાયટીના યુવા ચેરમેન લાખણશી ગોરાણિયાના માર્ગદર્શન હેઠળ હાલ 13 પ્રકારની સેવા પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે જિલ્લાભરમાં થેલેસેમિયા નાબુદી માટે પણ પોરબંદર રેડક્રોસ સોસાયટી દ્વારા સતત ઝુંબેશ ચલાવવામાં આવે છે.
પોરબંદર જિલ્લાના થેલેસેમિયા મેજર બાળકોના 24 પ્રકારના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા એક બાળકના લેબ ટેસ્ટ માટે અંદાજે 4 હજાર જેટલો ખર્ચ થાય છે તે તમામ ખર્ચ રેડક્રોસ સોસાયટી દ્વારા ભોગવવામાં આવ્યો હતો. આ તમામ બાળકોના લેબટેસ્ટ માટે અંદાજે બે લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ તમામ બાળકોના લોહીના સેમ્પલ લઈને તેના તબીબી પરીક્ષણ માટે ગુજરાત રેડક્રોસની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.
આ થેલેસેમિયા લેબટેસ્ટ કેમ્પમાં પોરબંદર રેડક્રોસના સેક્રેટરી અકબરભાઈ સોરઠીયા, પીઆરઓ જગદીશભાઈ થાનકી, ખજાનચી ચંદ્રેશભાઈ કિશોર, થેલેસેમિયા સમિતિના કન્વીનર કમલકાંત શર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ લેબોરેટરી ટેસ્ટ માટે ગુજરાત રેડક્રોસની ટીમે સેવા આપી હતી.
વિના મૂલ્યે 24 પ્રકારના ટેસ્ટ કરીને બાળ દર્દીઓના આરોગ્ય માટે ચિંતા કરવા બદલ થેલેસેમિયા મેજર બાળકોના વાલીઓએ રેડક્રોસ સોસાયટીનો આભાર વ્યક્ત કર્યો હતો.