નવરંગ સંસ્થા અને સંગીત નાટક અકાદમી દ્વારા ડાન્સ ફેસ્ટ યોજાયો
પોરબંદરના તમામ નૃત્યગુરુઓ એક મંચ ઉપર જોવા મળ્યા
◆◆◆◆◆◆◆◆◆
150 નૃત્યકારોએ નૃત્યના તમામ પ્રકારોની પ્રસ્તુતિથી લોકોને મંત્રમુગ્ધ કર્યા


પોરબંદરની જનતામાં રહેલી સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય, ચિત્રકલા, છબીકલા, લોકકલા, શિલ્પકલા વગેરે નવ જેટલી કલાઓને ઉજાગર કરી આ કલાના સાધકોને મંચ પૂરું પાડવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદર સંસ્થા કાર્યરત છે તેમાં સમયાંતરે જુદી જુદી કલાઓના કાર્યક્રમો યોજવામાં આવે છે તેના ભાગરૂપે નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન તથા સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે “નૃત્યની કલા”ને સ્ટેજ આપવા માટે આંગિકમ ડાન્સ ફેસ્ટ કાર્યક્રમ યોજાયો હતો.
ગાંધી સ્મૃતિ ભવન ચોપાટી ખાતે આયોજિત નૃત્યના આ કાર્યક્રમમાં પોરબંદરના 14 જેટલા કલાગુરુઓના માર્ગદર્શન હેઠળ 150 જેટલા નવોદિત નૃત્ય કલાકારોએ કલાસિકલ, સેમિકલાસિકલ, ફોક, વેસ્ટર્ન, ગરબા, નૃત્ય નાટીકા વગેરે ભારતના તમામ પ્રકારના લોક નૃત્યોને એક જ સ્ટેજ ઉપરથી રજૂ કરી પોરબંદરમાં ઇતિહાસ બનાવી દીધો હતો.
■ કલાગુરુઓનું સન્માન :
પોરબંદરમાં નૃત્ય કલાને જીવંત રાખવા નૃત્ય ક્લાસ સંચાલકો સતત મહેનત કરીને બાળકોને તૈયાર કરી રહ્યા છે તેવા તમામ નૃત્ય કલાસ સંચાલકોનું નવરંગ સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સુરભી ક્લાવૃંદના ક્રિષ્નાબેન રાણીગા, સંસ્કૃતિ પર્ફોમિંગ આર્ટના હરેશ મઢવી, પૂનમબેન પોસ્તરીયા, ક્લાઝોન એકેડમીના વિજય ઠક્કરાર, તાંડવ નર્તન ઇન્સ્ટિટયૂટના જીગ્નેશ સુરાણી, દીર્ઘા ઝાલા, નૂપુર ડાન્સ કલાસીસના કાશ્મિરાબેન સંઘવી, ડીએક્સપ્લોરર ડાન્સ એકેડમીના ભાવિન સીંધવ, ડાન્સ માસ્ટર એકેડમીના ભાર્ગવ વાળા અને ડાન્સફાઇડ ડાન્સ એકેડમીના કરણ ઢાંકેચા, કિંગડમ ઓફ ડાન્સના અંકિત મોનાણી, લાસ્ય તાંડવ એકેડમીના હર્ષા માંડલીયા, નટરાજ ડાન્સ એકેડમીના ખુશ્બૂ ટુકડીયા, ઉત્સવ ડાન્સ એકેડમીના ચાંદની પંડ્યા, ચામુંડા રાસ મંડળના લીલાભાઈ રાણાવાયા અને પુષ્પાબેન રાણાવાયા આ તમામ કલા ગુરુઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
■ મહાનુભાવોએ નવરંગ ટીમને બિરદાવી:
આંગિકમ ડાન્સ ફેસ્ટ 2.0 નૃત્ય કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણી, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, રેલ્વે વિભાગના એડીઆરએમ , કમલાબાગ પીઆઇ રાજેશ કાનમિયા, ડો. સુરેશભાઈ ગાંધી, ડો. અનિલભાઈ દેવાણી, અનિલભાઈ કારીયા, કરસનભાઈ સલેટ, દિલીપભાઈ ગાજરા, જતીનભાઈ હાથી, વગેરે મહાનુભાવો કાર્યક્રમના અંત સુધી ખાસ ઉપસ્થિત રહીને નૃત્યની દરેક કૃતિઓ નિહાળી ખૂબ પ્રભાવિત થયા હતા. પોરબંદરમાં આવા સુંદર કાર્યક્રમના આયોજન માટે નવરંગની સમગ્ર ટીમને અભિનંદન આપી બિરદાવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણશી ગોરાણિયા, સેક્રેટરી સ્નેહલ જોશી, સંયોજક રાજુભાઇ લાખાણી, નિવેદિતાબેન જોશી, સુનિલભાઈ ભીમાણી અને નવરંગની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા આરજે મિલન પાણખાણીયાએ કર્યું હતું.
