રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી માધવપુરના લોકમેળાનો શુભારંભ કરાવશે
તા. 17મી એપ્રિલના રોજ રાજ્યપાલ, મુખ્ય સચિવ, સચિવ, તેમજ કલેકટર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે
ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ પ્રસંગે પાંચ દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરાશે
પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે રુકમણીજી અને ભગવાન શ્રીકૃષ્ણના વિવાહ પ્રસંગ અંતર્ગત લોકમેળાની ઉજવણીની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.
આગામી તા. ૧૭ થી ૨૧ એપ્રિલ સુધી પાંચ દિવસ દરમિયાન આ લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતનારાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહી રુકમણીજી અને ભગવાન શ્રીકૃષ્ણના વિવાહની ઉજવણી પ્રસંગે માધવપુરના મેળાનો મેળા ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનો શુભારંભ કરાવશે. આ ભવ્ય લોક મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રારંભે મુખ્ય સચિવ રાજકુમાર અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર પણ હાજર રહેશે.
માધવપુર ખાતે આગામી તારીખ ૧૭ એપ્રિલના સાંજે ૫ વાગ્યેથી આ મેળાનો શુભારંભ કરવામાં આવશે. રુકમણીજી અને ભગવાન શ્રીકૃષ્ણના વિવાહ પ્રસંગનું ભવ્ય રિસેપ્શન ૨૧ એપ્રિલને રવિવારના દિવસે સાંજે ૪ કલાકે દ્વારકા ખાતે યોજવામાં આવશે.
ઉત્તરપૂર્વીય રાજ્યોના વાનગી અને હસ્તકલા સ્ટોલ, રમત ગમત દ્વારા એકીકરણ, ગ્રાન્ડ મીડિયા મલ્ટી શો, રેત શિલ્પ પ્રદર્શન, થીમ પેવેલિયન સહિતના રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમમો આ લોકમેળામાં મુખ્ય આકર્ષણ જમાવશે.
ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીજીના વિવાહ પ્રસંગમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે. તારીખ ૧૭ થી ૧૯ એપ્રિલ સુધી રાત્રે ૯ વાગ્યે વરણાગી (ફુલેકું) નો પ્રસંગ યોજવામાં આવશે. અને તારીખ ૨૦ એપ્રિલે શનિવારના દિવસે લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ દ્વારકા ખાતે ભવ્ય રિસેપ્શન પણ યોજનાર છે.
આ તકે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવશ્રી અશ્વિની કુમાર તથા પ્રવાસન, દેવસ્થાનમ મેનેજમેન્ટ, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામના અગ્ર સચિવશ્રી હારીત શુક્લ તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાશ્રી આલોક કુમાર પાંડે તેમજ પ્રવાસન કમિશનર અને મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત પ્રવાસન નિગમ લિ. ના એસ. છાકછુઆક, પોરબંદર કલેક્ટર કે.ડી. લાખાણી સહિત ઉપસ્થિત રહેશે.